Gujarat CM Oath Ceremony: ગુજરાતની ભૂપેન્દ્ર પટેલની નવી સરકારમાં હર્ષ સંઘવી બન્યા મંત્રી, જાણો તેમની એજ્યુકેશનથી લઇને સંપત્તિ સુધીની વિગત

By: Rakesh ShuklaEdited By: Rakesh Shukla Publish Date: Mon 12 Dec 2022 02:28 PM (IST)Updated: Mon 12 Dec 2022 04:36 PM (IST)
gujarat-new-cabinet-minister-harsh-sanghvi-oath-taking-ceremony-live-udates-attending-gandhinagar-2022-12-12

ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં ભાજપે ઐતિહાસિક જીત મેળવીને સતત સાતમી વખત સરકાર બનાવી છે. 1990માં ભાગીદારીની સરકાર બનાવ્યા બાદ 1995થી ગુજરાતમાં ભાજપની સ્વતંત્ર સરકાર છે.2022માં જ્વલંત વિજય મળ્યા બાદ આજે ભૂપેન્દ્ર પટેલે બીજી વાર મુખ્યમંત્રી પદના શપથ લીધા છે. સાથે જ હર્ષ સંઘવીએ પણ મંત્રી પદના શપથ લીધા છે. ત્યારે આજે હર્ષ સંઘવીના એજ્યુકેશનથી લઇને કુલ સંપત્તિ સહિતની વિગતો અહીં આપવામાં આવી છે.

આ વખતે 2022ની ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં સૌથી વધુ ચર્ચામાં હોય તેવા યુવા નેતા એટલે હર્ષ સંઘવી. સુરતની મજૂરા બેઠક પર જીત મેળવી ભાજપના સૌથી નાની વયે ગૃહખાતાના રાજ્યકક્ષાના મંત્રી બનેલા અને નવ નવ ખાતાં મેળવ્યા પછી મહેસૂલ જેવા તોતિંગ ખાતાનો વધારાનો હવાલો પણ સંભાળનારા મૂળ ડીસાના પણ સુરતમાં વસેલા હીરાના કારખાનેદાર એવા જૈન પરિવારમાં હર્ષ રમેશકુમાર સંઘવીનો જન્મ તારીખ 8 જાન્યુઆરી, 1985ના રોજ થયો હતો.

36 વર્ષની ઉમરે ગૃહમંત્રી બન્યા
ભાજપમાંથી 37 વર્ષની વયે અમિત શાહને રાજ્ય કક્ષાના ગૃહમંત્રી બનાવાયા હતા. હર્ષ સંઘવી તેનાથી એક વર્ષ નાની ઉંમરે - 36 વર્ષે જ આ પદે પહોંચ્યા હતા. ગુજરાતમાં જોકે સૌથી નાની વયના રાજ્ય કક્ષાના ગૃહમંત્રી બનવાનો વિક્રમ નરેશ રાવલના નામે છે.

એજ્યુકશન અને ઉમરની વિગત
ગુજરાતના નવા મંત્રી મંડળમાં હર્ષ સંઘવી સૌથી યુવા મંત્રી છે. તેમની ઉંમર 37 વર્ષ છે. જોકે એજ્યુકેશનની વાત કરવામાં આવે તો અન્ય મંત્રીઓની સરખામણીએ તેમનું એજ્યુકેશન ઓછું છે. તેઓ 8 ધોરણ પાસ છે. જોકે ગઇ સરકારમાં તેઓ ગૃહમંત્રી રહ્યા હતા અને તેમને મંત્રી તરીકેના અનુભવને ધ્યાનમાં રાખીને આ વખતે મંત્રી પદ આપવામાં આવ્યુ છે.

કુલ સંપત્તિ
આર્થિક સ્થિતિની વાત કરવામાં આવે તો મજુરા બેઠક પરથી વિજેતા થયેલા હર્ષ સંઘવીની કુલ સંપત્તિ 17.42 કરોડ છે. જેમાંથી 5.10 કરોડ સ્થાવર મિલકત અને મુવેબલ મિલકત 12 કરોડ છે. તેમની કુલ લાયબિલિટીઝ 8 કરોડ છે. ક્રિમિનલ કેસની વાત કરવામાં આવે તો તેમના પર એક કેસ નોંધાયેલો છે.

શું છે 2022ની સ્થિતિ
2022ની વિધાનસભાની ચૂંટણીની વાત કરવામાં આવે તો હર્ષ સંઘવીએ મજુરા બેઠક પરથી ભાજપની ટિકિટ પર ચૂંટણી લડી હતી. જેમાં 133335 મત મળ્યા હતા. તેમના નજીક પ્રતિસ્પર્ધી આમ આદમી પાર્ટીના પીવીએસ શર્મા હતા. જેમને 16660 મત મળ્યા હતા.

મજુરા બેઠકની રસપ્રદ વિગત
મજુરા ગુજરાત વિધાનસભાની 182 બેઠકો પૈકી 165 નંબરની બેઠક છે. મજૂરા સુરત જિલ્લામાં આવેલું છે અને તેની લોકસભા બેઠક સુરત છે. મજુરા સુરત શહેરનો એક ભાગ છે.આ બેઠક 2008માં અસ્તિત્વમાં આવી હતી. આ બેઠકને ભાજપનો ગઢ માનવામાં આવે છે. આ બેઠક પરથી 2012 અને 2017ની ચૂંટણીમાં હર્ષ સંઘવી ભાજપની ટિકિટ પર ચૂંટણી લડ્યા અને જીત્યા.