Rupee vs Dollar: શુક્રવારે ડોલર સામે રૂપિયાના મૂલ્યમાં ભારે ઘટાડો જોવા મળ્યો છે. ઈતિહાસમાં પહેલી વખત રૂપિયા ડોલર સામે 88.19 પર બંધ આવ્યો છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ તેમના ટેરિફ પ્લાન અંતર્ગત ઈચ્છે છે કે ભારત તેમની કંપનીઓ માટે પોતાના એગ્રીકલ્ચર તથા ડેરી સેક્ટરને ખોલી દે. જોકે ભારતે સ્પષ્ટ શબ્દોમાં ઈન્કાર કરી દીધો છે અને હજુ સુધી આ મુદ્દે કોઈ જ સમજૂતી કે ઉકેલ આવ્યો નથી.
ફોરેક્સ ટ્રેડર્સના મતે અમેરિકા દ્વારા ભારત પર લાદવામાં આવેલા 50% ટેરિફને કારણે વેપાર ખાધમાં વધારો અને રૂપિયાની માંગમાં ઘટાડો થવાને કારણે રૂપિયો નબળો પડી રહ્યો છે. આ ઉપરાંત ભારતીય બજારમાંથી વિદેશી રોકાણકારો (FII) દ્વારા સતત વેચાણને કારણે ડોલરનો પ્રવાહ પણ વધ્યો છે, જેના કારણે રૂપિયા પર દબાણ વધી રહ્યું છે.
ઇન્ટ્રાડે મૂવમેન્ટ કેવી રહી છે
આંતરબેંક ફોરેક્સ માર્કેટમાં રૂપિયો 87.73 પર ખુલ્યો હતો, પરંતુ દિવસભર નબળો પડીને 88.33 ની નીચી સપાટીએ પહોંચ્યો અને અંતે 88.19 પર બંધ થયો. આ અત્યાર સુધીનું સૌથી નીચું સ્તર છે. અગાઉ 10 ફેબ્રુઆરી, 2025ના રોજ રૂપિયો 87.95 પર પહોંચી ગયો હતો. તે જ સમયે ડોલર ઇન્ડેક્સ 0.14% વધીને 97.94 પર પહોંચ્યો.
તે જ સમયે, બ્રેન્ટ ક્રૂડ પણ 0.76 ઘટીને 68.10 ડોલર પ્રતિ બેરલ પર ટ્રેડ કરી રહ્યું હતું. નિષ્ણાતો માને છે કે સપ્ટેમ્બરમાં યુએસ ફેડ દ્વારા વ્યાજ દરમાં ઘટાડો થવાની અપેક્ષા વચ્ચે ડોલર નબળો પડી શકે છે, જે રૂપિયાને થોડી રાહત આપી શકે છે.
સરકારનું વલણ શું છે?
કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પીયૂષ ગોયલ કહે છે કે સરકાર ટૂંક સમયમાં નિકાસને પ્રોત્સાહન આપવા અને સ્થાનિક ઉદ્યોગને ટેકો આપવા માટે પગલાં લેશે. તેમણે નિકાસકારોને ખાતરી આપી હતી કે સરકાર વર્તમાન વૈશ્વિક અનિશ્ચિતતાઓનો સામનો કરવામાં સંપૂર્ણ સહયોગ આપશે.