Vadodara: છેલ્લા 48 કલાકમાં શહેરમાં અલગ-અલગ સ્થળોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીનો સિલસિલો યથાવત છે. બે સ્કૂલો બાદ આજે શહેરની જાણીતી હોટલ લોર્ડ્સ રિવાઈવલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી ભર્યો ઈ-મેઈળ મળતા પોલીસ કાફલો દોડતો થયો હતો.
સયાજીગંજ વિસ્તારમાં કાલાઘોડા ખાતે આવેલ લોર્ડ્સ રિવાઈવલ હોટલને બોમ્બથી ઉડાવી દેવાની ઇ-મેલ દ્વારા સીધી ધમકી અપાઈ હતી. આ મામલે હોટલ મેનેજમેન્ટ દ્વારા તરત જ સયાજીગંજ પોલીસને જાણ કરતા બોમ્બ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડની ટીમ તાત્કાલિક સ્થળ પર દોડી ગઈ હતી અને સમગ્ર હોટલની તપાસ શરૂ કરી હતી. આ તપાસ દરમિયાન કોઈ પણ પ્રકારની વાંધાજનક વસ્તુ કે બોમ્બ મળ્યા ન હતા, જેના કારણે પોલીસ સહીત હોટલ મેન્જમેન્ટે રાહતનો શ્વાસ લીધો હતો.
ઉલ્લેખનીય છે કે, છેલ્લા બે દિવસથી શહેરમાં સતત બોમ્બ ધમકીના બનાવો સામે આવી રહ્યા છે. બે સ્કૂલને મળેલી બોમ્બ ધમકી બાદ હવે હોટલને પણ નિશાન બનાવાયું છે, જેના કારણે શહેરના રહીશો અને પ્રશાસનમાં ચિંતાનો માહોલ છવાઈ ગયો છે.
હાલ પોલીસ દ્વારા સમગ્ર મામલે ગુન્હો નોંધી તપાસની કામગીરી શરૂ કરવામાં આવી છે. પોલીસે આ સમગ્ર ઘટનાને ગંભીરતાથી લઈને ધમકી આપનારને પકડવા માટે સાયબર સેલને પણ દોડાવી દીધા છે.