Surat News: સુરતના પુણાગામ વિસ્તારમાં હત્યાનો બનાવ સામે આવ્યો છે. 38 વર્ષીય યુવકની ચપ્પુના ઘા ઝીકી હત્યા કરવામાં આવી છે. આ બનાવની જાણ થતા પોલીસના ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા. હાલ પોલીસ દ્વારા આ મામલે ગુનો નોંધી તપાસ શરુ કરવામાં આવી છે. પૈસાની લેતી દેદી બાબતે ઝઘડો થતા હત્યાનો આ બનાવ બન્યો હોવાનું હાલ સામે આવ્યું છે.
મળતી માહિતી મુજબ, મૂળ ભાવનગરના વતની અને હાલમાં સુરતના પુણાગામ વિસ્તારમાં આવેલી વિક્રમનગર સોસાયટીમાં રહેતા 38 વર્ષીય વિપુલભાઈ ભુરાભાઈ નકુમની હત્યા કરવામાં આવી છે. વિપુલ ભાઈ પર તેના વતનના રહેવાસી વિપુલ શંભુભાઈ વાળા નામના યુવક દ્વારા તેમના પર ચપ્પુ વડે હુમલો કર્યો હતો. જેમાં ગંભીર રીતે ઘવાયેલા વિપુલ ભાઈ નકુમનું મોત થયું છે. પુણાગામ વિસ્તારમાં હત્યાની ઘટનાની જાણ થતાની સાથે જ પુણા પોલીસ સ્ટેશનનો કાફલો, ડી.સી.પી. અને એ.સી.પી. કક્ષાના ઉચ્ચ પોલીસ અધિકારીઓ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. પુણા પોલીસે આ મામલે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.
ડીસીપી આલોક કુમારએ જણાવ્યું હતું કે, ગત રાતે પુણા પોલીસ સ્ટેશનની હદમાં હત્યાનો બનાવ બન્યો છે. જેમાં સીતારામ સોસાયટી પાસે મરણ જનાર વિપુલભાઈ ભુરાભાઈ નકુમની ચપ્પુ મારીને હત્યા કરવામાં આવી છે. આરોપીનું નામ વિપુલ શંભુભાઈ વાળા છે. આરોપી અને મૃતક બંને સાથે હતા અને મરણજનાર વિપુલભાઈને આરોપી પાસેથી રૂપિયા લેવાના હતા બંને વચ્ચે રૂપિયાની લેતીદેતીનો મામલો હતો. મરણજનાર વિપુલભાઈએ આરોપીને પકડીને રાખ્યો હતો અને આ બાબતે તેના ભાઈને ફોન કરીને ત્યાં આવવા જણાવ્યું હતું. દરમ્યાન વચ્ચે ફોન કટ થઇ ગયો હતો અને આરોપીએ ચપ્પુ મારીને વિપુલભાઈની હત્યા કરી છે અને તે ફરાર થઈ ગયો છે. મૃતક અને આરોપી એક જ ગામના વતની છે અને બંને વચ્ચે પહેલેથી જ પૈસાની લેતીદેતી હતી. હાલ પોલીસની અલગ અલગ ટીમો આરોપીને પકડવા કામે લાગી છે.