ZIM vs SL ODI: ઝિમ્બાબ્વેમાં રમાયેલી પહેલી વનડેમાં શ્રીલંકાએ રોમાંચક વિજય મેળવ્યો. દિલશાન મદુશંકાની હેટ્રિકે મેચનું પરિણામ જ બદલી નાખ્યું. સિકંદર રઝા સદી ચૂકી ગયો અને ઝિમ્બાબ્વે પહેલી વનડે 7 રને હારી ગયું.
મેચમાં ઝિમ્બાબ્વેએ ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. શ્રીલંકાએ પ્રથમ બેટિંગ કરીને 50 ઓવરમાં 6 વિકેટ ગુમાવીને 298 રન બનાવ્યા હતા. જેના જવાબમાં ઝિમ્બાબ્વેની ટીમ 50 ઓવરમાં 8 વિકેટ ગુમાવીને 291 રન જ બનાવી શકી હતી.
નિસાન્કાએ અડધી સદી ફટકારી
પહેલા બેટિંગ કરવા આવેલા શ્રીલંકાની શરૂઆત ખરાબ રહી. 9 રનના સ્કોર પર ખાતું ખોલાવ્યા વિના નિશાન મદુષ્કા પેવેલિયન પરત ફર્યો. નાગરવાએ ટીમને પહેલો ઝટકો આપ્યો. જોકે, કુસલ મેન્ડિસ સાથે મળીને પથુમ નિસાન્કાએ ટીમની કમાન સંભાળી અને સદીની ભાગીદારી કરી.
મેન્ડિસ 38 રન બનાવ્યા બાદ સીન વિલિયમ્સનો શિકાર બન્યો. બીજી બાજુ પથુમ નિસાન્કાએ અડધી સદી ફટકારી. જોકે, તે મોટી ઇનિંગ રમી શક્યો નહીં અને 76 રન બનાવીને આઉટ થયો. અંતે, જાનિથ લિયાનાગે 47 બોલમાં અણનમ 70 અને કમિન્ડુ મેન્ડિસે 36 બોલમાં અણનમ 57 રન બનાવીને ટીમનો સ્કોર 300 રનની નજીક પહોંચાડ્યો.
ઝિમ્બાબ્વેની શરૂઆત ખરાબ રહી
લક્ષ્યનો પીછો કરતી વખતે ઝિમ્બાબ્વેની શરૂઆત ખૂબ જ ખરાબ રહી. પહેલી જ ઓવરમાં ફર્નાન્ડોએ બે બેટ્સમેનોને ખાતું ખોલાવ્યા વિના પેવેલિયનમાં પાછા મોકલી દીધા. બ્રાયન બેનેટ અને બ્રેન્ડન ટેલર શૂન્ય રન પર આઉટ થઈ ગયા. કેપ્ટન સીન વિલિયમ્સે બેન કુરન સાથે મળીને ટીમની કમાન સંભાળી. બંનેએ 118 રનની ભાગીદારી કરી.
સીન વિલિયમ્સ 57 રન બનાવીને અને બેન કુરન 70 રન બનાવીને આઉટ થયા. આ પછી, સિકંદર રઝા અને ટોની મુન્યોંગાએ ઇનિંગ્સ બચાવી અને ટીમને વિજયની અણી પર લાવી. ઝિમ્બાબ્વેને છેલ્લી ઓવરમાં 10 રનની જરૂર હતી. સેટ બેટ્સમેન સિકંદર રઝા ક્રીઝ પર હતો, જે સદીથી 8 રન દૂર હતો.
રઝા સદી ચૂકી ગયો, મદુશંકાએ હેટ્રિક લીધી
મદુશંકાએ ઇનિંગની છેલ્લી ઓવર ફેંકી. પહેલા જ બોલ પર મદુશંકાએ 92 રનના સ્કોર પર સિકંદર રઝાની વિકેટ લીધી અને શ્રીલંકાને મેચમાં પાછો લાવ્યો. જોકે, હજુ કામ બાકી હતું. તેણે બીજા અને ત્રીજા બોલ પર અનુક્રમે બ્રેડ ઇવાન્સ અને રિચાર્ડ નાગરવાને આઉટ કરીને હેટ્રિક પૂર્ણ કરી અને હારી ગયેલી મેચને જીતમાં ફેરવી દીધી. અંતે, શ્રીલંકાએ ઝિમ્બાબ્વેને 7 રનથી હરાવ્યું.