Vinod Kambli News: ટીમ ઈન્ડિયાના દિગ્ગજ ક્રિકેટર સુનિલ ગાવસ્કર (Sunil Gavaskar) પોતાના ભૂતપૂર્વ સાથી ખેલાડી વિનોદ કાંબલીની મદદ માટે આગળ આવ્યા છે. હવે ગાવસ્કરની CHAMPS ફાઉન્ડેશન દ્વારા વિનોદ કાંબલીને દર મહિને ₹30,000ની નાણાકીય સહાય આપવામાં આવશે. આ સાથે જ, કાંબલીના તબીબી ખર્ચ માટે પણ વાર્ષિક ₹30,000 અલગથી ફાળવવામાં આવશે.
સુનિલ ગાવસ્કરના CHAMPS ફાઉન્ડેશનની સ્થાપના 1999માં જરૂરિયાતમંદ પૂર્વ આંતરરાષ્ટ્રીય ક્રિકેટરોને મદદ કરવા માટે કરી હતી.
ટાઈમ્સ ઓફ ઈન્ડિયાના રિપોર્ટ મુજબ, આ સહાય 1 એપ્રિલથી શરૂ થઈ ગઈ છે. 53 વર્ષીય વિનોદ કાંબલી (Vinod Kambli) ને આ નાણાકીય સહાય જ્યારે સુધી તેમનું જીવન રહેશે, ત્યારે સુધી મળે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે.
ગયા વર્ષે ડિસેમ્બર મહિનામાં વિનોદ કાંબલીની તબિયત ખરાબ થઈ હતી, જ્યારે તેમને યૂરિન ઇન્ફેક્શનને કારણે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તે સમયથી જ સુનિલ ગાવસ્કર કાંબલીની મદદ કરવા માટે આતુર હતા. વાનખેડે સ્ટેડિયમની 50મી વર્ષગાંઠના પ્રસંગે, ગાવસ્કરે કાંબલી સાથે સાથે તેમના બંને ડોક્ટરોની પણ મુલાકાત લીધી હતી.
સલીમ દુર્રાની પછી હવે કાંબલી બનશે CHAMPS ફાઉન્ડેશન તરફથી સહાય મેળવનાર બીજા પૂર્વ ક્રિકેટર. ભારત માટે 17 ટેસ્ટ અને 104 વનડે મેચ રમી ચૂકેલા કાંબલીને હવે જીવનભર માટે આ સહાય મળતી રહેશે. અગાઉ, આ ફાઉન્ડેશન ભૂતપૂર્વ દિગ્ગજ સલીમ દુર્રાનીને પણ મદદ કરી ચૂક્યું છે.