Sunil Gavaskar Statue: ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન અને મહાન બેટ્સમેન સુનીલ ગાવસ્કર મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં તેમના સ્ટેચ્યુના અનાવરણ પ્રસંગે ભાવુક થઈ ગયા. આ સ્ટેચ્યુ મુંબઈ ક્રિકેટ એસોસિએશન (MCA) ના શરદ પવાર ક્રિકેટ મ્યુઝિયમમાં સ્થાપિત કરવામાં આવ્યું છે. ગાવસ્કરની ક્રિકેટ ક્ષેત્રે આપેલી અદ્ભુત સિદ્ધિઓને સન્માનિત કરવા માટે MCA દ્વારા તેમને આ વિશેષ સન્માન આપવામાં આવ્યું છે.
ભાવુક થયા Sunil Gavaskar
બ્રોન્ઝથી બનેલું ગાવસ્કરનું આ સ્ટેચ્યુ મ્યુઝિયમની બહાર સ્થાપિત કરવામાં આવ્યું છે. જે હાલમાં સામાન્ય લોકો માટે ખુલ્લું નથી, પરંતુ 22 સપ્ટેમ્બરથી તે જનતા માટે ખોલવામાં આવશે.

સ્ટેચ્યુના અનાવરણ પ્રસંગે ગાવસ્કરે પોતાની લાગણીઓ વ્યક્ત કરતાં જણાવ્યું કે તેમની પાસે આ વિશેષ સન્માન માટે કોઈ શબ્દો નથી. તેમણે MCA ને પોતાની 'માતા' સમાન ગણાવી, કારણ કે તેમના ક્રિકેટ કારકિર્દીના નિર્માણમાં MCA નો ખૂબ જ મહત્વપૂર્ણ ફાળો રહ્યો છે, ખાસ કરીને તેમના શાળાકીય ક્રિકેટ અને રણજી ટ્રોફીના દિવસોથી.

ગાવસ્કરને ભારતના મહાન બેટ્સમેનોમાંના એક ગણવામાં આવે છે. તેઓ ટેસ્ટ ક્રિકેટમાં 10,000 રન બનાવનાર પ્રથમ બેટ્સમેન હતા. વધુમાં તેમણે સર ડોન બ્રેડમેનના 29 ટેસ્ટ સદીના રેકોર્ડને પણ તોડ્યો હતો, જે પાછળથી સચિન તેંડુલકરે તોડ્યો હતો. તે યુગમાં જ્યારે વેસ્ટ ઈન્ડિઝના ઝડપી બોલરો બેટ્સમેનોને ઈજાગ્રસ્ત કરતા હતા, ત્યારે ગાવસ્કર હેલ્મેટ વિના બેટિંગ કરતા હતા.