બેંગલુરુ ભાગદોડના 3 મહિના બાદ RCB એ કરી સહાયની જાહેરાત, મૃતકના પરિવારજનોને આપશે 25 લાખ રુપિયા

RCB ટીમે સોશિયલ મીડિયા પર પોસ્ટ દ્વારા જણાવ્યું કે જે પરિવારોએ પોતાના સ્વજનો ગુમાવ્યા છે, તેમની મદદ કોઈ પણ રકમથી થઈ શકતી નથી, પરંતુ તેઓ 25 લાખ રૂપિયાની આર્થિક સહાય આપવા માંગે છે.

By: Kajal ChauhanEdited By: Kajal Chauhan Publish Date: Sat 30 Aug 2025 03:24 PM (IST)Updated: Sat 30 Aug 2025 03:24 PM (IST)
rcb-big-step-after-bengaluru-stampede-give-victim-family-25-lakh-rupees-aid-594301

Bengaluru Stampede: આઈપીએલ 2025ની ટ્રોફી જીત્યા બાદ રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (RCB) દ્વારા બેંગલુરુના ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં યોજાયેલા સેલિબ્રેશન સમારોહ દરમિયાન ભગદડ મચી ગઈ હતી, જેમાં 11 લોકોએ જીવ ગુમાવ્યા હતા અને લગભગ 56 લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. આ દુ:ખદ ઘટના બાદ કર્ણાટક સરકારે પીડિત પરિવારોને આર્થિક મદદ પૂરી પાડી હતી. હવે RCBએ પણ પોતાની તરફથી મોટું પગલું ભર્યું છે.

આરસીબીએ ચાહકો માટે ખાસ જાહેરાત

બે દિવસ પહેલા, RCBએ 'RCB Cares' નામની એક નવી ફાઉન્ડેશન શરૂ કરવાની જાહેરાત કરી હતી. તાજેતરમાં ટીમે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ દ્વારા જણાવ્યું કે જે પરિવારોએ પોતાના સ્વજનો ગુમાવ્યા છે, તેમની મદદ કોઈ પણ રકમથી થઈ શકતી નથી, પરંતુ સન્માનના પ્રતીક રૂપે તેઓ પીડિત પરિવારોને 25 લાખ રૂપિયાની આર્થિક સહાય આપવા માંગે છે. RCBએ સ્પષ્ટ કર્યું છે કે આ માત્ર આર્થિક મદદ નથી, પરંતુ તેમની એકતા અને સંભાળનું એક વચન છે. 'RCB Cares' લાંબા સમય સુધી ચાલશે અને પોતાના ચાહકો માટે ભવિષ્યમાં પણ સારા કાર્યો કરવાનો પ્રયાસ કરશે.

IPL ટ્રોફી જીત્યા બાદ બહુ ટૂંકી નોટિસ પર ઉજવણીનું આયોજન કરાયું, જેમાં અપેક્ષા કરતાં વધુ ચાહકોની ભીડ એકઠી થઈ હતી. કર્ણાટક સરકારે આ દુર્ઘટના માટે RCB સહિત ઇવેન્ટ મેનેજમેન્ટ કંપનીને જવાબદાર ઠેરવ્યા હતા. આ ભયાનક ઘટના પછી કર્ણાટક સરકારે બેંગલુરુમાં એક નવું સ્ટેડિયમ બનાવવાનો નિર્ણય લીધો છે. આ નવું સ્ટેડિયમ સૂર્યા સિટીમાં 60,000 લોકોની બેઠક ક્ષમતા સાથે તૈયાર થશે. કેટલાક અહેવાલો મુજબ આ સ્ટેડિયમ 80,000ની ક્ષમતા અને 1650 કરોડ રૂપિયાના બજેટ સાથે બનાવવામાં આવશે.