અમદાવાદ.
ઈજાગ્રસ્ત ભારતીય ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાએ મંગળવારે જણાવ્યું હતું કે તેના ઘુંટણની સર્જરી સફળ રહી છે અને તે ટૂંક જ સમયમાં રિહેબ શરૂ કરશે. 33 વર્ષીય ઓલરાઉન્ડર ઘુંટણમાં થયેલ ઈજાના કારણે યુઇએમાં ચાલી રહેલ એશિયા કપમાંથી બહાર થઇ ગયો છે.
રવિન્દ્ર જાડેજાએ હોસ્પિટલમાંથી પોતાનો ફોટો ઇન્સ્ટાગ્રામ પર શેર કરતા લખ્યું હતું કે મારી સર્જરી સફળ રહી છે અને હું ટૂંક સમયમાં રિહેબ શરૂ કરીશ તેમજ બને તેટલું ટૂંક સમયમાં વાપસી કરવાનો પ્રયાસ કરીશ. ઘણા લોકોનું મારું સર્મથન કરવા બદલ આભાર માણવા માંગું છું. આમાં બીસીસીઆઈ, ટીમના મારા સાથી, સહાયક સ્ટાફ, ફિજીયો, ડોક્ટર અને પ્રશંસક સામેલ છે, આપ સૌની શુભેચ્છાઓ બદલ આભાર.'
રવિન્દ્ર જાડેજાએ એશિયા કપની શરૂઆતની મેચમાં પાકિસ્તાનની વિરુધ્ધ ભારતને પાંચ વિકેટથી મળેલી જીતમાં મહત્વની ભૂમિકા ભજવી હતી. ત્યાર બાદ તેણે હોંગકોંગ સામે પણ મેચ રમી હતી, પરંતુ તે સુપર-4 ગ્રુપ પહેલા બહાર થઈ ગયો હતો. રવિન્દ્ર જાડેજા ઘુંટણની ઈજાથી છેલ્લા કેટલાક સમયથી પરેશાન હતો તેના કારણે તે ઘણી વાર ટીમમાંથી અંદર-બહાર થયો હતો. જાડેજાને ડોક્ટરે પહેલા જ સર્જરીની સલાહ આપી હતી, પરંતુ તેની સર્જરી થઈ શકી ન હતી, પરંતુ આ વખતે વધારે પરેશાનીને જોતા તેના ઘુંટણનું ઓપરેશન કરાયું.
હવે રવિન્દ્ર જાડેજા ક્યાંર સુધી સાજો થશે થશે તેના વિશે કશું કહી શકાય નહીં, પરંતુ જો તે સમય પર સાજો થઇ જશે તો ટી-20 વર્લ્ડ કપ 2022માં ભારત માટે રમતો જોવા મળી શકે છે. ટી-20 વર્લ્ડ કપ 2022 આ વખતે ઓસ્ટ્રેલિયામાં ઓક્ટોબર-નવેમ્બર દરમિયાન આયોજીત થશે અને તેમાં હજુ સમય છે. જોકે ટીમ ઈન્ડિયાના કોચ રાહુલ દ્રવિડે જણાવ્યું હતું કે હમણાં અમે તેને આ ટુર્નામેન્ટમાંથી બહાર નથી માણી રહ્યા.