IND vs ENG: અંડર-19 સ્ટાર વૈભવ સૂર્યવંશી એજબેસ્ટનમાં જોવા મળ્યો, BCCIએ સીનિયર ટીમ પાસેથી શીખવા મોકલ્યો

IND vs ENG 2nd Test: હાલમાં ભારતની સીનિયર પુરૂષ ટીમ, અંડર-19 ટીમ અને મહિલા ટીમ ઈંગ્લેન્ડ પ્રવાસે છે અને ત્રણેય ટીમોનું પ્રદર્શન શાનદાર રહ્યું છે.

By: Dharmendra ThakurEdited By: Dharmendra Thakur Publish Date: Fri 04 Jul 2025 11:08 AM (IST)Updated: Fri 04 Jul 2025 12:01 PM (IST)
ind-vs-eng-2nd-test-vaibhav-suryavanshi-watches-match-at-edgbaston-hails-shubman-gills-innings-560267
HIGHLIGHTS
  • BCCIએ અંડર-19 ટીમના યુવા ખેલાડીઓને ભારત-ઈંગ્લેન્ડ વચ્ચે બીજી જોવા માટે એજબેસ્ટન મોકલ્યા.
  • 14 વર્ષીય વૈભવ સૂર્યવંશી અને ભારત અંડર-19 ટીમનો કેપ્ટન આયુષ મહાત્રે પણ એજબેસ્ટનમાં હાજર.
  • દિનેશ કાર્તિકે વૈભવ સૂર્યવંશી અને અંડર-19 ટીમના અન્ય ખેલાડીઓના પ્રદર્શનની પ્રશંસા કરી.

IND vs ENG 2nd Test: હાલમાં ભારતની સીનિયર પુરૂષ ટીમ, અંડર-19 ટીમ અને મહિલા ટીમ ઈંગ્લેન્ડ પ્રવાસે છે અને ત્રણેય ટીમોનું પ્રદર્શન શાનદાર રહ્યું છે. એજબેસ્ટનમાં રમાઈ રહેલી ભારત-ઈંગ્લેન્ડ બીજી ટેસ્ટ મેચ દરમિયાન અંડર-19નો યુવા સ્ટાર બેટ્સમેન વૈભવ સૂર્યવંશી સ્ટેડિયમમાં જોવા મળ્યો હતો.

BCCIએ 14 વર્ષીય વૈભવ સૂર્યવંશી (Vaibhav Suryavanshi) સહિત આખી અંડર-19 ટીમને એજબેસ્ટન મોકલી છે જેથી તે તમામ યુવા ખેલાડીઓ ભારતીય સીનિયર ટીમ પાસેથી પ્રેરણા લઈ શકે અને તેમને ઊંડાણપૂર્વક નિહાળી શકે.

IPL 2025 માં વૈભવ સૂર્યવંશીનું શાનદાર પ્રદર્શન

IPL 2025 દરમિયાન રાજસ્થાન રોયલ્સ માટે રમતા વૈભવ સૂર્યવંશીએ પોતાના શાનદાર પ્રદર્શનથી વિશ્વ ક્રિકેટમાં ચમકતા તારાનો દરજ્જો મેળવી લીધો છે. તે મેન્સ T20 ઇતિહાસમાં સૌથી ઓછી ઉંમરે સદી ફટકારનારો ખેલાડી બન્યો છે.

હાલમાં તે ઇંગ્લેન્ડ સામે અંડર-19 વનડે સિરીધમાં વિસ્ફોટક ઇનિંગ્સ રમી રહ્યો છે. આ સાથે જ ભારત અંડર-19 ટીમનો કેપ્ટન આયુષ મહાત્રે પણ એજબેસ્ટનમાં હાજર રહ્યો હતો. આયુષે IPL 2025માં ચેન્નાઈ સુપર કિંગ્સ માટે પણ નોંધપાત્ર પ્રદર્શન કર્યુ હતું.

દિનેશ કાર્તિકે કરી સૂર્યવંશીની પ્રશંસા

એજબેસ્ટન ટેસ્ટ મેચ દરમિયાન કોમેન્ટ્રી કરી રહેલા દિનેશ કાર્તિકે અંડર-19 ટીમના યુવા ખેલાડીઓના પ્રદર્શનની સરાહના કરી. કાર્તિકે જણાવ્યું કે, 'કેપ્ટન આયુષ મ્હાત્રે આ વર્ષે ચેન્નાઈ સુપર કિંગ્સ માટે રમ્યો. તેણે ખરેખર સારું પ્રદર્શન કર્યું. અમને વૈભવ સૂર્યવંશી પર ગર્વ છે, જે રાજસ્થાન રોયલ્સ માટે રમ્યો હતો અને મને ખાતરી છે કે આ ટીમનો ભાગ બનેલા ઘણા ખેલાડીઓ આખરે દેશ માટે અને IPLમાં પણ રમશે.'