Team India Head Coach: ટીમ ઈન્ડિયાના ઑસ્ટ્રેલિયા પ્રવાસની પહેલા અચાનક ઈન્ટરનેશનલ ક્રિકેટમાંથી સંન્યાસ લેનાર રવિચંદ્રન અશ્વિન ભારતના શ્રેષ્ઠ ઑફ સ્પિનર પૈકી એક છે. ટેસ્ટ ક્રિકેટમાં સૌથી વધુ વિકેટ ઝડપવાના મામલે અશ્વિન દેશમાં બીજા નંબર પર છે. અશ્વિન સ્ટ્રેટેજિક લેવલે નિપુણ ખેલાડી મનાય છે. આથી જ ભારતના દિગ્ગટ બેટ્સમેટે ટીમ ઈન્ડિયાના કોચ તરીકે અશ્વિનનું નામ આપ્યું છે.
હકીકતમાં ટીમ ઈન્ડિયાના કોચ તરીકે અશ્વિનના નામની ભલામણે બીજા કોઈએ નહીં, પરંતુ ભારત વતી લાંબા સમય સુધી રમનારા બેટ્સમેન ચેતેશ્વર પૂજારાએ કરી છે.
ESPN ક્રિક ઈન્ફોના પ્રશ્નના જવાબ રાઉન્ડમાં જ્યારે પૂજારાને પૂછવામાં આવ્યું કે, ક્યો ખેલાડી ટીમ ઈન્ડિયાનો કોચ બની શકે છે. જેના જવાબમાં પૂજારાએ રવિચંદ્રન અશ્વિનનું નામ આપ્યું હતુ.
આ વાતમાં કોઈ શંકા નથી કે, અશ્વિનને ક્રિકેટની ઊંડાણ પૂર્વકની સમજ છે અને તે પોતાના ખેલમાં માહેર પણ છે. એવામાં એક સવાલ સ્વાભાવિક થાય કે, શું ક્યારેય અશ્વિન ટીમ ઈન્ડિયાના હેડ કોચ બનવામાં રસ દાખવશે? ટીમ ઈન્ડિયાના વર્તમાન કોચ ગૌતમ ગંભીરનો કાર્યકાળ 2027ના વન-ડે વર્લ્ડકપ સુધીનો છે. આથી તેમની જગ્યા લેવા માટે હજુ ઘણો સમય છે.
ઈન્ટરનેશનલ ક્રિકેટમાંથી સંન્યાસ લીધા પછી શું કરે છે આર. અશ્વિન?
જ્યારે અશ્વિન ક્રિકેટ નથી રમતો, ત્યારે તે પોતાની યુટ્યુબ ચેનલ પર સક્રિય રહે છે. જેમાં તે અનેક ખેલાડીઓના ઈન્ટર્વ્યુ લેવાની સાથે-સાથે મેચને લઈને પણ પોતાના વિચાર રજૂ કરતો રહે છે. હાલ અશ્વિન પોતાની યુ-ટ્યુબ ચેનલ પર જ વધારે મહેનત કરી રહ્યો છે અને પૉડકાસ્ટર બનવા તરફ આગળ વધી રહ્યો છે. તાજેતરમાં જ અશ્વિને સંજુ સેમસનનો ઈન્ટર્વ્યૂ લીધો હતો.
જણાવી દઈએ કે, અશ્વિને ભલે ઈન્ટરનેશનલ ક્રિકેટને અલવિદા કહ્યું હોય, પરંતુ હજુ તે ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) રમી રહ્યો છે. આ સિવાય તે તમિલનાડુ પ્રીમિયર લીગમાં પણ રમતો જોવા મળે છે. અશ્વિનના નામે ટેસ્ટ ક્રિકેટમાં 537 વિકેટનો રેકોર્ડ છે. જેની આગળ માત્ર અનિલ કુંબલે છે, જેણે 619 વિકેટ ઝડપી છે.