Cheteshwar Pujara Retirement: ભારતીય ક્રિકેટર ચેતેશ્વર પૂજારાએ સંન્યાસ બાદ એક વીડિયો જાહેર કરીને માફી માંગી છે. પૂજારાએ કહ્યું કે, ભારતીય ટીમનું પ્રતિનિધિત્વ કરવું તેમના માટે સન્માનની વાત છે અને તેઓ હંમેશા ભારતીય ક્રિકેટને મદદ કરવા તૈયાર રહેશે. તેમણે ફેન્સના પ્રેમ અને સમર્થન બદલ આભાર વ્યક્ત કર્યો હતો.
સંન્યાસ બાદ વીડિયો પોસ્ટ કર્યો
ભારતીય ટીમની દિવાલ તરીકે જાણીતા ચેતેશ્વર પૂજારાએ ક્રિકેટને અલવિદા કહ્યું છે. પૂજારાએ સોશિયલ મીડિયા પર એક પોસ્ટ જાહેર કરીને જણાવ્યું હતું કે તે ક્રિકેટમાંથી નિવૃત્તિ લઈ રહ્યો છે. ચેતેશ્વર પૂજારા લાંબા સમયથી ટીમ ઇન્ડિયાની બહાર હતો. નિવૃત્તિ બાદ, પૂજારાએ મંગળવારે એક વીડિયો જાહેર કરીને માફી માંગી છે.
Truly grateful for all the love and wishes 🙏 pic.twitter.com/TiQLIEhzXC
— Cheteshwar Pujara (@cheteshwar1) August 26, 2025
ચેતેશ્વર પૂજારાએ ભારત માટે પોતાની છેલ્લી મેચ ICC ટેસ્ટ ચેમ્પિયનશિપ-2023 ની ફાઇનલ તરીકે રમી હતી. આ પછી તેને ટીમમાંથી બહાર કરવામાં આવ્યો હતો અને ફરી પાછો ફર્યો નહીં. તેણે વાપસી માટે ખૂબ પ્રયાસ કર્યો જે બધા વ્યર્થ ગયા. તાજેતરમાં ચેતેશ્વર પૂજારાને દુલીપ ટ્રોફી માટે વેસ્ટ ઝોન ટીમમાં પસંદ કરવામાં આવ્યો ન હતો.
પૂજારાએ કેમ માફી માંગી
ચેતેશ્વર પુજારાએ મંગળવારે તેના એક્સ હેન્ડલ પર એક વીડિયો પોસ્ટ કર્યો અને માફી માંગી હતી. વાસ્તવમાં, પૂજારાએ તે લોકો પાસેથી માફી માંગી છે જેમણે તેમને વ્યક્તિગત રીતે સંદેશા મોકલ્યા હતા પરંતુ તેઓ તે સંદેશાઓનો જવાબ આપી શક્યા નહીં. પૂજારાએ વીડિયોમાં કહ્યું કે, "બધાને નમસ્તે. હું તમારા બધાની શુભેચ્છાઓ અને વિન્રમ શબ્દો બદલ આભાર માનું છું. છેલ્લા કેટલાક દિવસોથી, તમારામાંથી ઘણા લોકોએ મારો સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો, જેનાથી મને ખૂબ આનંદ થયો. મેં શક્ય તેટલા સંદેશાઓનો જવાબ આપવાનો પ્રયાસ કર્યો, પરંતુ જો હું કોઈને જવાબ ન આપી શક્યો, તો હું માફી માંગુ છું."
દેશને મદદ કરવા તૈયાર
પુજારાએ કહ્યું છે કે, ભારતીય ટીમનું પ્રતિનિધિત્વ કરવું તેમના માટે ખૂબ જ સારું રહ્યું છે અને તે ભવિષ્યમાં પણ ભારતીય ક્રિકેટને મદદ કરવા માટે હંમેશા તૈયાર રહેશે. તેમણે કહ્યું, "મારા દેશનું ઉચ્ચ સ્તરે પ્રતિનિધિત્વ કરવું મારા માટે સન્માનની વાત રહી છે. હું ભવિષ્યમાં પણ ભારતીય ક્રિકેટને ગમે તે રીતે મદદ કરવા તૈયાર છું. તમારા બધાના પ્રેમ અને સમર્થન માટે હું આભારી છું. ખૂબ ખૂબ આભાર."