Shravan Month 2025 End Date: શ્રાવણ મહિનો, જે દેવોના દેવ મહાદેવને સમર્પિત છે અને ભોલેનાથનો અત્યંત પ્રિય માસ ગણાય છે, તે હિન્દુ કેલેન્ડરનો પાંચમો મહિનો છે. આ પવિત્ર માસમાં ભગવાન શિવની ખાસ પૂજા-અર્ચના કરવામાં આવે છે. વર્ષ 2025 માં, શ્રાવણ મહિનો 25 જુલાઈ, શુક્રવારના રોજ શરૂ થયો હતો. ભક્તો માટે શ્રાવણ મહિનાની શરૂઆત જેટલી ખાસ છે, તેટલો જ તેનો અંત પણ મહત્વપૂર્ણ છે.
શ્રાવણનો છેલ્લો ક્યારે છે? (Shravan Somvar 2025 Last Date)
શ્રાવણ મહિનામાં સોમવારના વ્રતનું વિશેષ મહત્વ હોય છે. વર્ષ 2025 માં કુલ 4 શ્રાવણ સોમવારના વ્રત છે. પ્રથમ શ્રાવણ સોમવારનું વ્રત 28 જુલાઈના રોજ રાખવામાં આવ્યું હતું. આ વર્ષે શ્રાવણ મહિનાનો છેલ્લો સોમવાર 18 ઓગસ્ટ, 2025 ના રોજ છે.
શ્રાવણ માસની સમાપ્તિ (Shravan Month 2025 End Date)
ગુજરાતમાં શ્રાવણ મહિનો હંમેશા અમાસ તિથિના દિવસે સમાપ્ત થાય છે. 2025 માં, ગુજરાતમાં શ્રાવણ મહિનાની અમાસ તિથિ 23 ઓગસ્ટ, 2025 શનિવારના રોજ આવી રહી છે. આ દિવસે જ શ્રાવણ માસનું સમાપન થશે. જે ભક્તોએ શ્રાવણ મહિના દરમિયાન ઉપવાસ રાખ્યા છે, તેઓ 23 ઓગસ્ટના રોજ ચતુર્દશી તિથિ પૂર્ણ થયા પછી સંપૂર્ણ વિધિઓ સાથે ઉપવાસનું ઉદ્યાપન કરી શકે છે, જેથી તેમને તેનું સંપૂર્ણ પુણ્ય પ્રાપ્ત થાય. ઉલ્લેખનીય છે કે, ઉત્તર ભારતમાં શ્રાવણ માસ 11 જુલાઈથી 9 ઓગસ્ટ સુધી રહેશે.
શ્રાવણ માસનું ધાર્મિક મહત્વ (Importance of Shravan Month 2025)
ભગવાન શિવને અત્યંત પ્રિય હોવાને કારણે, આ માસમાં તેમની ભક્તિ અને આરાધના કરવાથી ભક્તોની મનોકામનાઓ પૂર્ણ થાય તેવી ધાર્મિક માન્યતા છે. શ્રાવણ માસ દરમિયાન અનેક ભક્તો પ્રસિદ્ધ તીર્થસ્થાનોમાંથી જળ ભરીને જ્યોતિર્લિંગો પર અભિષેક કરે છે, જેને કાંવડ યાત્રા તરીકે પણ ઓળખવામાં આવે છે. મોટાભાગના શિવભક્તો સોમવારે ઉપવાસ રાખીને શિવરાધન અને રુદ્રાભિષેક કરે છે, જેનું આ માસમાં વિશેષ મહત્વ હોય છે.