Ganesh Chaturthi 2025: ગણેશજીનો એક દાંત કેવી રીતે તૂટ્યો હતો? જાણો એકદંતા કેમ કહેવાયા

દરેક મૂર્તિમાં એક દાંત કેમ તૂટેલો હોય છે, ગણેશજીએ દાંત કેવી રીતે ગુમાવ્યો? આ તમામ પૌરાણિક કથા આજે ગુજરાતી જાગરણ અહીં તમને જણાવી રહ્યું છે.

By: Jagran GujaratiEdited By: Jagran Gujarati Publish Date: Wed 27 Aug 2025 01:22 PM (IST)Updated: Wed 27 Aug 2025 01:22 PM (IST)
ganesh-chaturthi-2025-why-is-lord-ganesha-known-as-ekdant-story-behind-his-single-tusk-592550

Ganesh Chaturthi 2025: ભગવાન ગણેશના તૂટેલા દાંતની પૌરાણિક કથા પુરાણોમાં પ્રખ્યાત છે અને તે ગણેશના બુદ્ધિ, શક્તિ અને નમ્રતાનું પ્રતીક છે. આજે આપણે એ પોરાણિક કથા જોઈશું કે ગણેશજીનો એક દાંત કેવી રીતે તૂટ્યો હતો? ગણેશજીના એક હાથમાં હંમેશા તૂટેલો દાંત કેમ હોય છે તે કથાની પણ અહીં વાત કરીશું. સાથે ગણેશજી એકદંતા કેમ કહેવાયા, દરેક મૂર્તિમાં એક દાંત કેમ તૂટેલો હોય છે, ગણેશજીએ દાંત કેવી રીતે ગુમાવ્યો? આ તમામ પૌરાણિક કથા આજે ગુજરાતી જાગરણ અહીં તમને જણાવી રહ્યું છે.

પૌરાણિક કથા 1

એકવાર ઋષિ વેદવ્યાસે મહાભારત જેવું વિશાળ મહાકાવ્ય લખવાનું નક્કી કર્યું. આ કાર્ય માટે તેમને એવા લેખકની જરૂર હતી જે ઝડપથી અને નિરંતર લખી શકે. તેઓ ભગવાન ગણેશ પાસે ગયા અને વિનંતી કરી કે તેઓ આ મહાકાવ્ય લખવામાં મદદ કરે. ગણેશજીએ આ માટે સંમતિ આપી, પરંતુ એક શરત મૂકી કે વેદવ્યાસે એકધારું બોલવું પડશે, એટલે કે લખવાની પ્રક્રિયા દરમિયાન તેઓ રોકાઈ ન શકે. વેદવ્યાસે પણ શરત મૂકી કે ગણેશજીએ દરેક શ્લોકનો અર્થ સમજીને જ લખવું પડશે.

લેખન શરૂ થયું, અને ગણેશજી ઝડપથી લખતા હતા. એક સમયે એવું બન્યું કે ગણેશજીની લેખની નોક (કલમ) તૂટી ગઈ. શરત મુજબ લેખન રોકાઈ ન શકે, તેથી ગણેશજીએ તરત જ પોતાનો એક દાંત (દંત) તોડીને તેનો ઉપયોગ લેખન માટે કલમ તરીકે કર્યો. આ રીતે તેમણે મહાભારતનું લેખન પૂર્ણ કર્યું. આ ઘટનાને કારણે ગણેશજીને "એકદંત" તરીકે પણ ઓળખવામાં આવે છે.

પૌરાણિક કથા 2

પૌરાણિક કથાઓમાં એવું પણ કહેવાય છે કે ગણેશજીનો દાંત પરશુરામ સાથેના યુદ્ધમાં તૂટ્યો હતો. પરશુરામ એકવાર ભગવાન શિવને મળવા માટે આવ્યા હતા. આ દરમિયાન ગણેશજીએ તેમને ભગવાન શિવને મળતા રોક્યા. આથી પરશુરામ ગુસ્સે થઈ ગયા અને બન્ને વચ્ચે યુદ્ધ થયું. ત્યારે યુદ્ધ દરમિયાન પરશુરામે પોતાના કુહાડાથી હુમલો કર્યો, જેનાથી ગણેશનો એક દાંત તૂટી ગયો. ગણેશજીએ આ હુમલો સહન કર્યો, કારણ કે પરશુરામ શિવના ભક્ત હતા, અને આ રીતે તેમની નમ્રતા અને શાંત સ્વભાવનું દર્શન થાય છે.

પૌરાણિક કથા 3

ગજમુખાસુર (ગજાસુર) નામનો રાક્ષસ હતો, જેણે શિવજીની ઘોર તપસ્યા કરી અને વરદાન મેળવ્યું કે તે અસ્ત્ર-શસ્ત્રથી મરશે નહીં. આ વરદાનના ગર્વમાં તેણે દેવો અને ઋષિઓને ત્રાસ આપવાનું શરૂ કર્યું. દેવોની વિનંતી પર ભગવાન ગણેશજીએ ગજાસુર સામે યુદ્ધ કરવાનું નક્કી કર્યું. ગણેશજીએ પોતાની બુદ્ધિ અને શક્તિથી ગજાસુરને હરાવ્યો. યુદ્ધ દરમિયાન ગણેશજીએ પોતાનો દાંત તોડીને ગજમુખાસર પર ફેંક્યો અને તેના પર વિજય મેળવ્યો.

પૌરાણિક કથા 4

નાનપણમાં ગણેશની તોફાનથી તેમના ભાઈ કાર્તિકેય ભારે પરેશાન હતા. એકવાર ઝઘડો એટલો બધો થઈ ગયો કે કાર્તિકેયે ગણેશજીનો એક દાંત તોડી નાખ્યો. ગણેશજીએ ભોળાનાથને કાર્તિકેયના હુમલાની વાત કરી. ભગવાન શિવના કહેવાથી કાર્તિકેયે દાંત તો પાછો આપ્યો પરંતુ સાથે શ્રાપ પણ આપ્યો કે જો આ દાંતને હાથમાંથો છોડશે તો તેઓ ભસ્મ થઈ જશે.

પ્રતીકાત્મક અર્થ:

ગણેશજીનો તૂટેલો દાંત બુદ્ધિ, ત્યાગ અને સમર્પણનું પ્રતીક માનવામાં આવે છે. તે દર્શાવે છે કે વિઘ્નહર્તા ગણેશ કોઈપણ અવરોધને દૂર કરીને કાર્ય પૂર્ણ કરવાની ક્ષમતા ધરાવે છે.