Viral Video : ઉત્તર પ્રદેશના આગ્રામાં આવેલ પ્રેમની નિશાની ગણાતો તાજમહેલ (Taj Mahal) વિશ્નની સાત અજાયબી પૈકી એક છે. જેને નિહાળવા માટે દેશ-વિદેશની મોટી સંખ્યામાં સહેલાણીઓ આવતા હોય છે. શાહજહાએ બીજો તાજમહેલ ફરીથી ના બને, તે માટે કારીગરોના હાથ કાપી નાંખ્યા હોવાનું કહેવાય છે. જો કે મધ્ય પ્રદેશના એક બિઝનેસમેને પોતાનું ઘર અદ્દલ તાજમહલ જેવું જ બનાવ્યું છે. જેને અંદરથી જોઈને તમને પણ નવાઈ લાગશે.
હકીકતમાં કન્ટેન્ટ ક્રિએટર્સ પ્રિયમ સારસ્વતે તાજમહેલ જેવા દેખાતા ઘરની હોમ ટુર કરાવી છે. આ સાથે જ ઘરના માલિક સાથે પણ વાત કરી છે. જેનો વીડિયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે.
આ અંગે ઘરના માલિક આનંદ પ્રકાશ ચૌક્સેએ જણાવ્યું કે, મારો તાજમહેલ એક 4 બેડરૂમ હોલ કિચનનું ઘર છે. જે મકરાના માર્બલથી બનાવવામાં આવ્યું છે. મેં મારા ઘરને ઠંડુ રાખવા માટે બે દીવાલો બનાવડાવી છે. આ બે દીવાલો વચ્ચે 2 ફૂટની જગ્યા રાખવામાં આવી છે, જેથી ઘર ઠંડુ રહે. મારો તાજમહેલ મારી પત્નીને ડેડીકેટેડ છે.
આ ઘરમાં પ્રવેશતાની સાથે જ તેનું ડેકોરેશન અને નક્સીકામ જોઈને તમને નવાઈ લાગશે. ઘરમાં એક ભેંસની તસવીર તમારું ખાસ ધ્યાન ખેંચશે. ઘરના માલિક આનંદ ચૌક્સેએ જણાવ્યું કે, મારું બાળપણ પશુઓની વચ્ચે વીત્યું છે. આથી આ ભેંસની તસવીર મને યાદ અપાવે છે કે, ક્યારેય ઘમંડ ના કરવું જોઈએ.
આટલું જ નહીં, આ તાજમહેલમાં એક લાઈબ્રેરી અને મેડિટેશન રૂમ પણ છે. સીડીઓ ચડીને ઉપર જશો ત્યાં ઘરનો ગુંબજ દેખાય છે. આ 4 BHK તાજમહેલ એક રેસિડેન્સિયલ સ્કૂલ કેમ્પસમાં બનેલ છે.
આનંદપ્રકાશ ચૌક્સે એક સમાજ સેવક છે. તેઓ એન્જિનિયરિંગ છોડી અને તેમની પત્ની મેડિકલ છોડીને સમાજસેવાના ક્ષેત્રમાં સારૂં કામ કરી રહ્યા છે. તેમણે ભારતમાં સૌથી હાઈટેક ગુરુકુળ બનાવ્યું છે.
જણાવી દઈએ કે, શાહજહાએ પોતાની બેગમ મુમતાઝની યાદમાં તાજમહેલ બનાવડાવ્યો હતો. જેના પર અત્યાર સુધીમાં અનેક ફિલ્મો બની ચૂકી છે. આ સિવાય તાજમહેલ પર અનેક ભાષાના કવિઓએ સુંદર કવિતાઓની પણ રચના કરી છે. ઉર્દુના જાણીતા શાયર શકીલ બદાયુનીએ તાજમહેલને મહોબ્બતની નિશાની ગણાવી છે, તો સાહિર લુધિયાનવીએ તેને ગરીબોની મોહબ્બતની મજાક સમાન ગણાવ્યો છે.