OMG News | World Richest Village: ભારતના સૌથી ધનિક વ્યક્તિનું નામ તો આપણે સૌ કોઈએ સાંભળ્યું જ હશે, પરંતુ શું તમે દેશના સૌથી ધનિક ગામડા વિશે જાણો છો? આ પ્રશ્નનો જવાબ મોટાભાગના લોકો નકારમાં જ આપતા હશે. જો કે દેશના સૌથી ધનિક ગામડાને લઈને સોશિયલ મીડિયામાં એક પોસ્ટ વાયરલ થઈ રહી છે.
હકીકતમાં ઈન્વેસ્ટમેન્ટ બેંકર સાર્થક આહુજાએ પોતાના લિન્કડઈન પર એક પોસ્ટ શેર કરી છે. જેમાં તેમણે ગુજરાતના કચ્છ જિલ્લામાં આવેલા માધાપર નામના ગામ વિશે વિગતવાર જણાવ્યું છે. માધાપર ગામના લોકોના બેંક એકાઉન્ટમાં અંદાજે 5 હજાર કરોડથી વધુ રૂપિયા પડ્યા છે.
સાર્થક આહુજાની પોસ્ટમાં જણાવ્યા મુજબ, કચ્છના માધાપર ગામના લોકોના પૈસા 17 બેંકની બ્રાન્ચમાં જમા છે. જેની રકમ 5 હજાર કરોડ રૂપિયાથી પણ વધારે છે. વ્યક્તિદીઠ માથાદીઠ આવકના આધારે જોઈએ તો, આ દુનિયાનું સૌથી ધનિક ગામ ગણી શકાય.
માધાપર ગામની 65 ટકા વસ્તી વિદેશમાં (World Richest Village)
તેમની પોસ્ટમાં જણાવ્યા પ્રમાણે, આ પ્રતિ કુટુંબ સરેરાશ 15 થી 20 લાખ રૂપિયા છે. જેનો મુખ્ય શ્રેય મૂળ માધાપરના પરંતુ વર્ષોથી વિદેશમાં વસતા NRIને ફાળે જાય છે. માધાપર ગામમાં પટેલ અને મિસ્ત્રીની વસ્તી વધારે છે. આજ કારણોસર આ ગામની આર્થિક દ્રષ્ટિએ એક આગવી ઓળખ ઉભી થઈ શકી છે. આ ગામની 65 ટકાથી વધુ વસ્તી અમેરિકા, બ્રિટન અને આફ્રિકાના અલગ-અલગ દેશોમાં રહે છે.
વાયરલ પોસ્ટમાં જણાવ્યા મુજબ, માધાપર ગામમાં 7600 પરિવાર છે. અહીં વ્યક્તિ દીઠ આવક ગણીએ તો, 15 થી 20 લાખ રૂપિયાની વચ્ચે થાય છે. આ હિસાબે ગણીએ તો, માધાપર વિશ્વનું સૌથી ધનિક ગામ થઈ શકે છે. જેનો અર્થ એ થયો કે, દરેક પરિવાર પાસે સરેરાશ 15 થી 20 લાખ રૂપિયાની બેંક FD છે.

વિદેશમાં વસતા આ ગામના લોકો પણ માધાપરમાં રહેતા પોતાના પરિવારજનો માટે પૈસા મોકલતા રહે છે. પોતાના ખર્ચને બાદ કરીને બાકીના રૂપિયા ગ્રામજનો બેંકમાં મૂકે છે.
સ્થાનિક બેંકના અધિકારીઓ દ્વારા જારી કરવામાં આવેલા સત્તાવાર આંકડા અનુસાર, ગામની તમામ 17 બેંકોમાં જમા રકમનો આંકડો 5 હજાર કરોડની આસપાસ થવા જાય છે. ખાસ વાત એ છે કે, આમાં કોઈ કોર્પોરેટ કે ધંધાદારી બેંક ખાતા નથી. આ રકમ માત્ર વ્યક્તિગત ખાતામાં પડેલી બચતની જ છે.