Vaishno Devi Landslide: જમ્મુના કટરા સ્થિત શ્રી માતા વૈષ્ણો દેવી યાત્રા માર્ગ પર ભારે વરસાદને કારણે થયેલા ભૂસ્ખલનમાં અત્યાર સુધીમાં 30 લોકોના મોત થયા છે. અર્ધકુમારી વિસ્તારમાં થયેલા આ ભૂસ્ખલનને કારણે ઘણા યાત્રીઓ ફસાયા છે અને બચાવ કાર્ય ચાલી રહ્યું છે.
જમ્મુનો દેશ સાથેનો સડક અને રેલ સંપર્ક તૂટ્યો
વરસાદને કારણે જમ્મુમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે. જેના પગલે 18 ટ્રેનો રદ કરવામાં આવી છે અને માતા વૈષ્ણો દેવી યાત્રા પણ સ્થગિત કરવામાં આવી છે. તવી, ચિનાબ અને ઉજ સહિતની ઘણી નદીઓ ભયજનક સપાટીથી ઉપર વહી રહી છે. આ કારણે જમ્મુનો દેશ સાથેનો સડક અને રેલ સંપર્ક સંપૂર્ણપણે તૂટી ગયો છે. પરિસ્થિતિને જોતા આજે પણ એલર્ટ યથાવત છે.
જમ્મુમાં તવી નદી પર બનેલા ભગવતીનગર પુલની એક લેન ધસી પડી છે, જ્યારે અન્ય બે પુલો પર સાવચેતીના ભાગરૂપે અવરજવર બંધ કરવામાં આવી છે. કઠુઆ નજીક પુલ ધસી પડવાથી જમ્મુ-પઠાણકોટ રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર પણ અસર થઈ છે અને વિજયપુરમાં એમ્સ નજીક દેવિકા પુલ પણ ક્ષતિગ્રસ્ત થયો છે, જેના કારણે સડક માર્ગ સંપૂર્ણપણે બંધ થઈ ગયો છે.
જમ્મુની તમામ શાળાઓ અને કોલેજોમાં રજા જાહેર
આ ઉપરાંત જમ્મુના ચનૈની નાલામાં એક કાર પડતાં રાજસ્થાનના ધોલપુરના બે અને આગ્રાનો એક એમ ત્રણ શ્રદ્ધાળુઓ તણાઈ ગયા હતા. મંગળવારે રાત્રે ભારે વરસાદની આશંકાને કારણે પ્રશાસને રાત્રે નવ વાગ્યા પછી બિનજરૂરી રીતે ઘરની બહાર નીકળવા પર પ્રતિબંધ મૂક્યો હતો. જમ્મુની તમામ શાળાઓ અને કોલેજોમાં 27 ઓગસ્ટના રોજ રજા જાહેર કરવામાં આવી છે.