Uttarkashi Cloudburst Updates: ઉત્તરકાશીમાં વાદળ ફાટવાની ઘટનાનો આજે ત્રીજો દિવસ છે. કાટમાળમાંથી વધુ 2 મૃતદેહ મળ્યા બાદ મૃત્યુઆંક 7 પર પહોંચી ગયો છે. હજુ પણ 50 થી વધુ લોકો લાપતા હોવાના અહેવાલો છે. સેના, પોલીસ અને વહીવટીતંત્ર દ્વારા સતત ગુમ થયેલા લોકોનું રેસ્કયુ ચાલુ છે.
ગુમ થયેલા લોકોને શોધવા સર્ચ ઓપરેશન
બચાવ અભિયાન ત્રીજા દિવસે તેજ ગતિથી ચાલુ છે. જિલ્લા પ્રશાસનની સક્રિયતાને ધ્યાનમાં રાખીને જિલ્લાધિકારી પ્રશાંત આર્ય પોતે ધરાલી હર્ષિલ આપત્તિગ્રસ્ત વિસ્તારમાં હાજર છે. તેમના કુશળ નેતૃત્વ હેઠળ રાહત અને બચાવ કાર્ય તીવ્ર ગતિથી ચાલી રહ્યું છે. હર્ષિલમાં ફસાયેલા મુસાફરોને સુરક્ષિત રીતે માતલી હેલીપેડ પર લાવવામાં આવી રહ્યા છે. સેના, ITBP, NDRF, SDRF, પોલીસ અને મહેસૂલની ટીમો સતત શોધ અને બચાવ કાર્યમાં વ્યસ્ત છે.
274 પ્રવાસીઓનું સુરક્ષિત રેસ્કયુ
આજે અત્યાર સુધીમાં 135 લોકોને સુરક્ષિત રીતે હર્ષિલથી બહાર કાઢવામાં આવ્યા છે. તેમાંથી 100 લોકોને ઉત્તરકાશી પહોંચાડવામાં આવ્યા છે. 35 લોકોને દેહરાદૂન સુરક્ષિત મોકલવામાં આવ્યા છે. સચિવ આપત્તિ વ્યવસ્થાપન દ્વારા જણાવાયું છે કે 274 લોકોને ગંગોત્રી અને અન્ય વિસ્તારોમાંથી હર્ષિલ લાવવામાં આવ્યા છે, અને તેઓ બધા સુરક્ષિત છે. આ સુરક્ષિત કરાયેલા પ્રવાસીઓમાં નીચેના રાજ્યોના લોકોનો સમાવેશ થાય છે.
- ગુજરાત: 131
- મહારાષ્ટ્ર: 123
- મધ્ય પ્રદેશ: 21
- ઉત્તર પ્રદેશ: 12
- રાજસ્થાન: 6
- દિલ્હી: 7
- આસામ: 5
- કર્ણાટક: 5
- તેલંગાણા: 3
- પંજાબ: 1
કુલ મૃત્યુઆંક 7 થયો
ગુરુવારે કાટમાળમાંથી વધુ બે મૃતદેહ મળ્યા બાદ મૃતકોની સંખ્યા સાત થઈ ગઈ છે. માતલીના સ્વાસ્થ્ય કેમ્પમાંથી બે ગંભીર રીતે ઘાયલોને AIIMS ઋષિકેશ રિફર કરવામાં આવ્યા છે, જ્યાં તેમને દાખલ કરવામાં આવ્યા છે. હજુ પણ 50 થી વધુ લોકો લાપતા હોવાના અહેવાલો છે.
મુખ્યમંત્રી ધામીની મુલાકાત
ઉત્તરકાશી સ્થિત હોસ્પિટલમાં દાખલ આપત્તિગ્રસ્તોને મળવા મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામી પહોંચ્યા હતા. તેમણે આપત્તિગ્રસ્તોના ખબર અંતર પૂછ્યા અને ડોકટરો પાસેથી તેમની સ્થિતિ જાણી તથા યોગ્ય ઉપચાર માટે નિર્દેશ આપ્યા.