Palanpur News: બનાસકાંઠાના દિયોદર પાસે સામુહિક આપઘાતનો બનાવ સામે આવ્યો છે. એક યુવક અને મહિલાએ બે બાળકો સાથે કેનાલમાં ઝંપલાવી આપઘાત કર્યો હોવાના પ્રાથમિક અહેવાલ છે. બનાવની જાણ થતાં સ્થાનિક તરવૈયા અને પોલીસ પહોંચી હતી. મૃતદેહોને કેનાલમાંથી બહાર કાઢી પીએમ અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. પ્રેમ સંબંધમાં આપઘાત કર્યો હોવાની આશંકા છે. પોલીસે બનાવની નોંધ કરી આગળની તપાસ હાથ ધરી છે.
ગોદા ગામ નજીક બની કરુણ ઘટના
બનાવની પ્રાપ્ત પ્રાથમિક વિગત અનુસાર, દિયોદર તાલુકાના ગોદા ગામ પાસેથી પસાર થતી નર્મદા કેનાલમાં એક યુવક અને મહિલાએ બે બાળકો સાથે ઝંપાલવ્યું હોવાની ઘટના બની હતી. સ્થાનિક લોકોએ પોલીસને જાણ કરતાં જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને તરવૈયાઓની મદદથી ચારેય મૃતદેહોને બહાર કાઢવામાં આવ્યા હતા. મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે દિયોદરની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
પ્રેમ સંબંધ કારણભૂત હોવાની આશંકા
પોલીસના જણાવ્યા અનુસાર, પ્રાથમિક તપાસમાં આ આત્મહત્યા પાછળ પ્રેમ સંબંધ હોવાની આશંકા છે. યુવક અને મહિલા વચ્ચે પ્રેમ સંબંધ હતો અને કોઈ કારણસર તેઓએ આ અંતિમ પગલું ભર્યું હોવાનું માનવામાં આવે છે. જો કે, આ ઘટના પાછળનું સાચું કારણ જાણવા માટે પોલીસ વધુ તપાસ કરી રહી છે. નાના એવા ગામમાં બનેલી આ ઘટનાથી સમગ્ર પંથકમાં શોકનું મોજું ફરી વળ્યું છે.