Ambaji Bhadarvi Maha Mela 2025: ભાદરવી પૂનમના મેળામાં અંબાજી જતા પદયાત્રીઓની સુરક્ષા માટે મહિસાગર ART0 (આરટીઓ) દ્વારા મહત્વનું પગલું ભરવામાં આવ્યું છે. લુણાવાડા ખાતે મહિસાગર ART0 કચેરી દ્વારા પદયાત્રીઓને રાત્રિના સમયે દૂરથી દેખાય તેવા રેડિયમ રિફ્લેક્ટિવ જેકેટ અને સ્ટીકનું વિતરણ કરવામાં આવ્યું છે.
ભાદરવી પૂનમના મેળા દરમિયાન ગુજરાત અને દેશભરમાંથી લાખો શ્રદ્ધાળુઓ મા અંબાના દર્શને પગપાળા જાય છે. આ યાત્રા દરમિયાન રસ્તા પર અકસ્માત ન થાય તે માટે મહિસાગર ART0 કચેરીના એઆરટીઓ અધિકારી સી.ડી.પટેલના માર્ગદર્શન હેઠળ એઆરટીઓ ઇસ્પેક્ટર મયૂર પટેલ, ડી. બી. ધ્રાંગીયા, એ. વી. મોડિયા, એમ. કે. પટેલ, અને એસ. વી. વર્માની ટીમ દ્વારા આ સેવાકીય કાર્ય હાથ ધરવામાં આવ્યું હતું.

લુણાવાડા-મોડાસા હાઈવે પરથી પસાર થતા પદયાત્રીઓને આ ખાસ જેકેટ અને સ્ટીકનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ રેડિયમ વસ્તુઓ રાત્રિના અંધારામાં ચમકતી હોવાથી વાહનચાલકોને દૂરથી જ પદયાત્રીઓની હાજરીનો ખ્યાલ આવે છે, જેનાથી માર્ગ અકસ્માતો અટકાવી શકાય છે. આ ઉપરાંત, અધિકારીઓએ પદયાત્રીઓને રસ્તાની એક બાજુએ ચાલવા અને સલામતી માટે કઈ બાબતોનું ધ્યાન રાખવું તે વિશે પણ માર્ગદર્શન આપ્યું હતું. આ પહેલથી યાત્રાળુઓની સલામતી સુનિશ્ચિત કરવામાં મદદ મળશે.