Hindu Population In Sambhal: ઉત્તર પ્રદેશના સંભલની વસ્તી વિષયક (ડેમોગ્રાફી) સ્થિતિ અંગે એક ચોંકાવનારો અહેવાલ સામે આવ્યો છે. એક ત્રણ સભ્યોના ન્યાયિક તપાસ આયોગે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને સંભલ હિંસા સંબંધિત પોતાનો ગોપનીય અહેવાલ સુપરત કર્યો છે. આ અહેવાલ મુજબ સંભલમાં હવે માત્ર 15% હિંદુઓ જ રહ્યા છે, આઝાદી સમયે અહીં 45% હિંદુ વસ્તી હતી. મોટાભાગના હિંદુઓ સ્થળાંતર કરી ગયા હોવાનું આ અહેવાલમાં જણાવાયું છે.
હિંસા બાદ કરાયું હતું આયોગનું ગઠન
ઉલ્લેખનીય છે કે એક સ્થાનિક અદાલતે 19 નવેમ્બરના રોજ મસ્જિદના સર્વેનો આદેશ આપ્યો હતો. પ્રથમ સર્વે 19 નવેમ્બરના રોજ થયો હતો, જ્યારે 24 નવેમ્બરના રોજ બીજા સર્વે દરમિયાન મસ્જિદમાં હિંસા ફાટી નીકળી હતી. ભડકેલી હિંસા બાદ આયોગનું ગઠન કરવામાં આવ્યું હતું. આયોગના સભ્ય પૂર્વ ડીજીપી એ.કે. જૈને 28 ઓગસ્ટના રોજ મુખ્યમંત્રી યોગીને આ અહેવાલ સુપરત કર્યો હતો અને તે સંપૂર્ણપણે ગોપનીય અહેવાલ છે.
રિપોર્ટમાં શું છે
સૂત્રોના જણાવ્યા અનુસા રિપોર્ટમાં લવ જેહાદ, રમખાણો અને સામાજિક પ્રવૃત્તિઓ દ્વારા ધર્માંતરણનો પણ ઉલ્લેખ છે. રમખાણોમાં વિદેશી હથિયારો મળી આવ્યા હતા. રિપોર્ટમાં મેડ ઇન યુએસએ હથિયારોની રિકવરી વિશે વાત કરવામાં આવી છે. 1947 થી દરેક રમખાણોમાં ફક્ત હિન્દુઓને જ મારવામાં આવતા હતા. આ વખતે પણ હિન્દુઓને મારવાની યોજના હતી. રમખાણો માટે બહારથી ટોળાને બોલાવવામાં આવ્યા હતા. હિન્દુ વિસ્તારમાં પોલીસની હાજરીને કારણે હિન્દુઓ બચી ગયા હતા. જૂની દુશ્મનાવટને કારણે તુર્ક પઠાણોએ રમખાણો દરમિયાન એકબીજાને મારી નાખ્યા હતા.
આ અહેવાલ પર વિશ્વ હિંદુ પરિષદ (VHP) ના વિનોદ બંસલે પ્રતિક્રિયા આપતા કહ્યું હતું કે, વધુ વિગતો આવશે, પરંતુ ઈસ્લામિક જેહાદીઓ દ્વારા હિંદુઓને એક વાર નહીં અનેક વાર કેવી રીતે નિશાન બનાવવામાં આવ્યા છે, તે વાત કોઈનાથી છુપાયેલી નથી. આઝાદી પછી અનેક વખત નિશાન બનાવવામાં આવ્યા છે, અને એ જ કારણ છે કે હિંદુઓ પલાયન કરવા મજબૂર છે.
રમખાણો અને નફરત ફેલાવવાનો પ્રયાસ
મૌલાના સાજિદ રશીદીએ આ અહેવાલને પક્ષપાતી ગણાવ્યો હતો. તેમણે કહ્યું કે મુખ્યમંત્રી યોગીએ સંભલ હિંસા પર એક સમિતિ બનાવી હતી અને તે સમિતિએ આજે તેમનો અહેવાલ સુપરત કર્યો છે. જેમાં કહેવામાં આવ્યું છે કે પહેલા અહીં 45% હિંદુ હતા અને હવે 15% જ રહ્યા છે અને લોકોએ દંગાને કારણે પલાયન કર્યું છે. મૌલાના રશીદીના મતે, આ અહેવાલ રમખાણો અને નફરત ફેલાવવા માટે છે, જે સંભલમાં ફરીથી દંગા ભડકાવી શકે છે અને હિંદુ-મુસ્લિમ તણાવ વધારી શકે છે.