Jammu Kashmir Encounter Latest Updates: ભારતીય સેનાએ જમ્મુ-કાશ્મીર એલઓસી નજીક બાંદીપોરા જિલ્લાના ગુરેઝ સેક્ટરમાં બે આતંકવાદીઓને ઠાર કર્યા છે. આ આતંકવાદીઓ ગુરુવારે સવારે ભારતીય સરહદમાં ઘૂસણખોરી કરવાનો પ્રયાસ કરી રહ્યા હતા. સેનાએ જવાબી કાર્યવાહીમાં ગોળીબાર કર્યો અને આતંકીઓને ઠાર કર્યા. ઓપરેશન હજુ પણ ચાલુ છે.
એલઓસી નજીક ઘૂસણખોરીનો પ્રયાસ
સેનાના ચિનાર કોર્પ્સે એક્સ પર માહિતી આપી હતી કે જમ્મુ-કાશ્મીર પોલીસ પાસેથી મળેલી ગુપ્ત માહિતીના આધારે સેના અને જમ્મુ પોલીસે સંયુક્ત ઓપરેશન હાથ ધર્યું હતું. સતર્ક સૈનિકોએ શંકાસ્પદ ગતિવિધિ જોઈ અને ઘૂસણખોરોને પડકાર્યા હતા, જેના પછી આતંકવાદીઓએ આડેધડ ગોળીબાર શરૂ કર્યો હતો. સેનાએ જવાબી ગોળીબાર કર્યો અને બે આતંકવાદીઓને ઠાર માર્યા. સેનાની આ કાર્યવાહીથી સરહદ પર સુરક્ષા વધુ સઘન બની છે.
ઉલ્લેખનીય છે કે આ મહિનાની શરૂઆતમાં પણ અખલ વિસ્તારમાં બે આતંકવાદીઓ માર્યા ગયા હતા. આ પહેલા 30 જુલાઈએ પણ સેનાએ આતંકવાદી સંગઠન લશ્કર-એ-તૈયબાના હથિયારોથી સજ્જ બે આતંકવાદીઓને ઠાર કર્યા હતા. તે જ દિવસે એટલે કે 30 જુલાઈએ ભારતીય સેનાએ પુંછ વિસ્તારમાં 'ઓપરેશન શિવ શક્તિ' ની શરૂઆત પણ કરી હતી. આ ઓપરેશન સૈન્ય અને નાગરિક ગુપ્તચર એકમો દ્વારા જમ્મુ-કાશ્મીર પોલીસ સાથેના તાલમેલ અને સંકલનથી પ્રાપ્ત વિશ્વસનીય ગુપ્ત માહિતી પર આધારિત હતું, જે ક્ષેત્રમાં આતંકવાદીઓની હાજરી વિશે હતી.