Parliament Security Breach: આજે સવારે સંસદ ભવનની સુરક્ષામાં ફરી ચૂંકની ઘટના સામે આવી છે. માહિતી અનુસાર એક વ્યક્તિ વૃક્ષના સહારે દિવાલ કૂદીને સંસદ ભવનમાં ઘૂસી ગયો હતો. આ વ્યક્તિને સુરક્ષા દળો દ્વારા અટકાયતમાં લેવામાં આવ્યો છે અને તેની પૂછપરછ કરવામાં આવી રહી છે.
દીવાલ કુદીને સંસદ ભવનમાં ઘુસ્યો આરોપી
આ ઘટના સવારે 6.30 વાગ્યે બની હતી. આરોપી વ્યક્તિ રેલ ભવન તરફથી દિવાલ કૂદીને નવા સંસદ ભવનના ગરુડ દ્વાર સુધી પહોંચી ગયો હતો. સંસદ ભવનમાં હાજર સુરક્ષા કર્મચારીઓએ તેને પકડી લીધો હતો. રાજ્યસભાના એક અધિકારીએ પણ આ વ્યક્તિના સંસદ ભવન પરિસરમાં કૂદીને પ્રવેશ કરવાની પુષ્ટિ કરી છે. તેમણે વધુમાં જણાવ્યું કે આ વ્યક્તિ સંસદની દિવાલ પાસેના એક ઝાડ પર ચઢ્યો હતો અને પછી દિવાલ કૂદીને અંદર આવી ગયો હતો.
આરોપીની ધરપકડ
પોલીસની શરૂઆતની તપાસમાં જાણવા મળ્યું છે કે ધરપકડ કરાયેલ વ્યક્તિની માનસિક સ્થિતિ સારી નથી. કહેવામાં આવ્યું હતું કે પીસીઆર હંમેશા રેલ ભવન પાસે તૈનાત રહે છે. પીસીઆર કર્મચારીઓએ જોયું કે એક યુવાન દિવાલ કૂદી રહ્યો હતો, ત્યાં દિવાલની ઊંચાઈ ઓછી છે. જ્યારે પીસીઆર કર્મચારીઓ તેને પકડવા દોડ્યા ત્યારે તે દોડવા લાગ્યો. અવાજ સાંભળીને સીઆઈએસએફે તેને પકડી લીધો અને પોલીસને સોંપી દીધો. સ્પેશિયલ સેલ, આઈબી અને અન્ય એજન્સીઓ તેની પૂછપરછ કરી રહી છે.