Palghar Virar Building Collapse: મહારાષ્ટ્રના પાલઘર જિલ્લાના વિરારમાં એક ગંભીર દુર્ઘટના સર્જાઈ છે. બુધવારે સવારે આશરે 12:05 વાગ્યે રામાબાઈ એપાર્ટમેન્ટ નામની એક ચાર માળની ઇમારતનો એક ભાગ અચાનક ધરાશાયી થઈ ગયો હતો . આ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 14 લોકોના મોત થયા છે, જેમાં એક માતા-પુત્રીની પણ સમાવેશ થાય છે. એક વ્યક્તિ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો છે, જ્યારે બે લોકોને સુરક્ષિત રીતે કાટમાળમાંથી બહાર કાઢવામાં આવ્યા છે.
હજુ પણ વધુ લોકો ફસાયેલા હોવાની આશંકા
દુર્ઘટનાના 24 કલાકથી વધુ સમય વીતી ગયો હોવા છતાં બચાવ અને રાહત કાર્ય પુરજોશમાં ચાલુ છે. નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (NDRF)ની બે ટીમો ઘટનાસ્થળે રાહત કાર્યમાં લાગેલી છે. પાલઘરના જિલ્લા કલેક્ટર ઈન્દુ રાની જાખડના જણાવ્યા અનુસાર કાટમાળમાં હજુ પણ વધુ લોકો ફસાયેલા હોવાની આશંકા છે. અત્યાર સુધીમાં કુલ 17 લોકોની ઓળખ થઈ છે જેમાં 14 મૃત્યુ, 1 ઘાયલ અને 2 સુરક્ષિત લોકોનો સમાવેશ થાય છે.
શરૂઆતમાં સાંકડા વિસ્તારને કારણે ભારે મશીનો ઘટના સ્થળે પહોંચી શકતી ન હોવાથી કાટમાળ હટાવવાનું કામ હાથોથી કરવું પડ્યું હતું. હવે મશીનોની મદદથી કાટમાળ હટાવવાનું કામ ઝડપથી ચાલી રહ્યું છે. જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન અધિકારી વિવેકાનંદ કદમે જણાવ્યું કે, જે ઝૂંપડપટ્ટી (ચોલ) પર ઇમારતનો ભાગ પડ્યો હતો તે ખાલી હતી, જેના કારણે મોટું નુકસાન ટળી ગયું.
મંજૂરી વિના બનાવાઈ હતી બિલ્ડિંગ
આ ઇમારત 2012માં બનાવવામાં આવી હતી, પરંતુ તે સંપૂર્ણપણે ગેરકાનૂની હતી અને વસઈ-વિરાર નગર નિગમ (VVMC)ની મંજૂરી વિના તે બનાવાઈ હતી. આ રામાબાઈ એપાર્ટમેન્ટમાં કુલ 50 ફ્લેટ હતા, જેમાંથી 12 ફ્લેટ તે ભાગમાં હતા જે તૂટી પડ્યો હતો. ઇમારત ધરાશાયી થયા બાદ પોલીસ દ્વારા બિલ્ડરની અટકાયત કરવામાં આવી છે. આ કાર્યવાહી VVMCની ફરિયાદ પર કરવામાં આવી હતી.
પરિવારોને સુરક્ષિત સ્થળે ખસેડાયા
આ દુર્ઘટનાને કારણે અનેક પરિવારો બેઘર બન્યા છે. આસપાસની અન્ય ઝૂંપડપટ્ટીઓને પણ ખાલી કરાવવામાં આવી છે અને ત્યાંના લોકોને સુરક્ષિત સ્થળોએ ખસેડવામાં આવ્યા છે. અસરગ્રસ્ત લોકોને હાલમાં ચંદનસર સમાજમંદિરમાં આશ્રય આપવામાં આવ્યો છે, જ્યાં તેમને ભોજન, પાણી, દવાઓ અને અન્ય જરૂરી વસ્તુઓ પૂરી પાડવામાં આવી રહી છે.