Nikki Payla Dowry Death Case Updates: સાસરિયાઓની રૂઢિચુસ્ત અને સંકુચિત વિચારસરણી, દહેજની માંગણી તથા પતિના અત્યાચારે નિક્કી પાયલાનો જીવ લીધો. પ્રાપ્ત માહિતી અનુસાર નિક્કીએ શિક્ષણ અને આત્મનિર્ભરતાના માર્ગે ચાલીને સમાજમાં પોતાનું સ્થાન બનાવ્યું હતું, તેમ છતાં તેને દહેજની ભૂખ અને પારિવારિક અત્યાચારનો ભોગ બનવું પડ્યું.
નિક્કીએ બહેન સાથે મળીને ખોલ્યું બ્યુટી પાર્લર
NTPC DPS માંથી BA નો અભ્યાસ કર્યા બાદ, નિક્કીએ બ્યુટીશિયનનો કોર્સ પણ કર્યો હતો. લગ્ન પછી, તેણે પોતાની બહેન સાથે મળીને બ્યુટી પાર્લર ખોલીને આત્મનિર્ભરતા તરફ મજબૂત કદમ ઉઠાવ્યા હતા. તેના હુનરને કારણે,તેનો વ્યવસાય આસપાસના વિસ્તારમાં ખુબ પ્રખ્યાત થયો અને મહિલાઓ તથા યુવતીઓ તેના બ્યુટી પાર્લરમાં સેવાઓ લેવા આવતી હતી.
સોશિયલ મીડિયા પર ફેમસ હતી નિક્કી
નિક્કીએ સોશિયલ મીડિયાનો સદુપયોગ કરીને પોતાના બ્યુટી પાર્લરને ઝડપથી પ્રખ્યાત બનાવ્યું. તેના ઇન્સ્ટાગ્રામ પર લગભગ 64 હજાર ફોલોઅર્સ હતા, અને તેના તમામ ફોટા તથા વીડિયો કામ સંબંધિત હતા, જેમાં કોઈ અશ્લીલતા ન હતી. તેમ છતાં પતિ વિપિનને નિક્કીની સફળતાથી ઈર્ષ્યા થતી હતી. વિપિન ચારિત્ર્યહીન હતો અને નિક્કીની કમાણી નશા તથા અન્ય મહિલાઓ પર ઉડાવતો હતો. ત્રણ વર્ષ પહેલાં જ્યારે નિક્કીએ તેની આ કરતૂતોનો વિરોધ કર્યો અને તેને પૈસા આપવાનું બંધ કર્યું, ત્યારે વિપિન નશામાં ધૂત થઈને તેની સાથે મારપીટ કરવા લાગ્યો.
સાસુએ દીકરાને વહુ વિરુદ્ધ ભડકાવ્યો
આ દરમિયાન તેની સાસુ દયા પણ નિક્કી સામે ઝેર ઓકતી અને વિપિનને ભડકાવતી હતી. દહેજમાં સ્કૉર્પિયો કાર આપવામાં આવી હોવા છતાં, સાસરિયાઓ દ્વારા 35 લાખ રૂપિયાની દહેજની માંગણી પણ કરવામાં આવતી હતી. ગુર્જર સમાજમાં મહિલાઓને શિક્ષિત અને આત્મનિર્ભર બનાવવાના દાવાઓ વચ્ચે નિક્કીનું આ દર્દનાક મૃત્યુ રૂઢિચુસ્ત માનસિકતાનો ભોગ બન્યું છે.