Manoj Jarange Patil: કોણ છે મનોજ જારંગે, મરાઠા અનામત માટે ઉઠાવી માંગ, આઝાદ મેદાનમાં ભૂખ હડતાળ શરૂ કરી

મનોજ જારંગેની મુખ્ય માંગ છે કે સમગ્ર મરાઠા સમુદાયને અન્ય પછાત વર્ગ (OBC) કેટેગરીમાં સામેલ કરવામાં આવે, જેથી તેમને સરકારી નોકરીઓ અને શૈક્ષણિક સંસ્થાઓમાં અનામતનો લાભ મળી શકે.

By: Kajal ChauhanEdited By: Kajal Chauhan Publish Date: Sat 30 Aug 2025 12:49 PM (IST)Updated: Sat 30 Aug 2025 12:49 PM (IST)
manoj-jarange-patil-maratha-reservation-mumbai-protest-azad-maidan-594195

Manoj Jarange Patil Maratha Reservation: મુંબઈમાં મરાઠા અનામતની માંગને લઈને એક મોટું આંદોલન શરૂ થયું છે. આ આંદોલનનું નેતૃત્વ સામાજિક કાર્યકર્તા અને મરાઠા અધિકાર કાર્યકર્તા મનોજ જારંગે પાટિલ કરી રહ્યા છે. તેમણે મુંબઈના ઐતિહાસિક આઝાદ મેદાનમાં અનિશ્ચિતકાલીન ભૂખ હડતાલ શરૂ કરી છે. આંદોલનના પહેલા જ દિવસે શુક્રવારે તેમણે મુંબઈ શહેરને ઠપ કરી દીધું હતું.

કેમ ઉભી થઈ મરાઠા અનામતની માંગ

મનોજ જારંગેની મુખ્ય માંગ છે કે સમગ્ર મરાઠા સમુદાયને અન્ય પછાત વર્ગ (OBC) કેટેગરીમાં સામેલ કરવામાં આવે, જેથી તેમને સરકારી નોકરીઓ અને શૈક્ષણિક સંસ્થાઓમાં અનામતનો લાભ મળી શકે. પોલીસ દ્વારા માત્ર શનિવાર સુધી જ પ્રદર્શનની મંજૂરી અપાઈ છે, પરંતુ પ્રદર્શનકારીઓ કહે છે કે પરવાનગી હોય કે ન હોય, પ્રદર્શન ચાલુ રહેશે.

જારંગેએ ભારપૂર્વક જણાવ્યું છે કે તેઓ પીછેહઠ નહીં કરે અને મરાઠા અનામત માટે ગોળી ખાવા તૈયાર છે. તેમણે ચેતવણી પણ આપી છે કે જેલમાં પૂરવામાં આવશે તો પણ તેઓ જેલમાં ભૂખ હડતાલ ચાલુ રાખશે.

કોણ છે મનોજ જારંગે(Manoj Jarange)

મનોજ જારંગે પાટિલ મહારાષ્ટ્રના બીડ જિલ્લાના મટોરી ગામના રહેવાસી છે. તેઓ મરાઠા અનામત આંદોલન માટે જાણીતા છે, જેમાં તેમણે 15 વર્ષ પહેલા પણ ભાગ લીધો હતો. સપ્ટેમ્બર 2023માં અંતરવાલી-સારતી ગામમાં ભૂખ હડતાલ બાદ તેઓ ચર્ચામાં આવ્યા હતા. ગરીબ પરિવારમાંથી હોવા છતાં તેમણે શિક્ષણ ચાલુ રાખ્યું. તેમનું માનવું છે કે અનામત મળવાથી મરાઠા વિદ્યાર્થીઓને સારી અને ઓછી ફીમાં શિક્ષણ મળી શકશે.