Jammu Kashmir Cloudburst: જમ્મુ-કાશ્મીરના રામબનમાં વાદળ ફાટતાં તબાહી, રામબનમાં 3 લોકોના મોત, અનેક ગાયબ

જમ્મુ કાશ્મીરના રામબનમાં વાદળ ફાટવાની ઘટના બની છે. વિસ્તારમાં પૂર જેવી પરિસ્થિતિ સર્જાઈ ગઈ છે. ઘણા ઘરોને ભારે નુકસાન થયું છે અને મિલકતોનો નાશ થયો છે.

By: Kajal ChauhanEdited By: Kajal Chauhan Publish Date: Sat 30 Aug 2025 09:14 AM (IST)Updated: Sat 30 Aug 2025 09:14 AM (IST)
jammu-kashmir-ramban-cloudburst-flash-flood-heavy-rain-3-people-died-many-missing-594040

Jammu Kashmir Ramban Cloudburst News: જમ્મુ કાશ્મીરના રામબન જિલ્લાના રાજગઢ ગામમાં રાત્રે લગભગ સાડા બાર વાગ્યે વાદળ ફાટવાથી એક મોટી દુર્ઘટના સર્જાઈ હતી. આ ઘટનામાં અત્યાર સુધીમાં ઓછામાં ઓછા 3 લોકોના મોત થયા છે, જ્યારે 5 લોકો ગાયબ છે. અધિકારીઓએ જણાવ્યું કે કાટમાળ અને તેજ પાણીના પ્રવાહમાં બે મકાનો અને એક શાળાની ઇમારત તણાઈ ગઈ હતી. રાહત અને બચાવ ટીમો ઘટનાસ્થળે પહોંચી ગઈ છે.

રામબનમાં પૂરને કારણે ઘરોને ભારે નુકસાન

આ ઘટના બાદ વિસ્તારમાં પૂર જેવી પરિસ્થિતિ સર્જાઈ ગઈ છે. ઘણા ઘરોને ભારે નુકસાન થયું છે અને મિલકતોનો નાશ થયો છે. અસરગ્રસ્ત પરિવારોનું જીવન સંપૂર્ણપણે ખોરવાઈ ગયું છે. રામબન પ્રશાસન અનુસાર એનડીઆરએફ, પોલીસ અને સ્થાનિક ટીમો રાહત કાર્યમાં લાગેલી છે. જોકે, પહાડી વિસ્તારો અને વરસાદના કારણે બચાવ અભિયાનમાં મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. ગુમ થયેલા લોકોની શોધખોળ ચાલુ છે.

તંત્રે કરી અપીલ

આ દુર્ઘટના એવા સમયે થઈ છે જ્યારે પહાડી રાજ્યોમાં વાદળ ફાટવાની ઘટનાઓ સતત વધી રહી છે. જમ્મુ-કાશ્મીરમાં છેલ્લા એક અઠવાડિયાથી ભારે વરસાદ પડી રહ્યો છે. નદી અને નાળા છલકાતા પૂરનું પાણી ઘરોમાં ઘુસી રહ્યું છે, રસ્તાઓ બંધ થઈ ગયા છે. ડઝનબંધ ગામો હજુ પણ સંપર્ક વિહોણા છે. વહીવટીતંત્રે લોકોને અફવાઓથી દૂર રહેવા અને પરિસ્થિતિ સંપૂર્ણપણે નિયંત્રણમાં ન આવે ત્યાં સુધી સલામત સ્થળોએ રહેવાની અપીલ કરી છે. અસરગ્રસ્ત પરિવારોને તાત્કાલિક રાહત સામગ્રી અને આશ્રયસ્થાનો પૂરા પાડવામાં આવી રહ્યા છે.