India US Trade Deal Latest Updates: અમેરિકાએ ભારતથી આવતા સામાન પર 25 ટકાનો વધારાનો ટેરિફ લગાવવાનો નિર્ણય 27 ઓગસ્ટથી અમલમાં આવી ગયો છે. અગાઉ 7 ઓગસ્ટથી જ અમેરિકાએ ભારત પર 25 ટકા ટેરિફ લાગુ કર્યો હતો. હવે કુલ મળીને ભારતીય ઉત્પાદનો પર 50 ટકાનો ભારે ટેક્સ લાગુ પડી ગયો છે.
ભારતના વેપાર પર ગંભીર અસર
દેશના અગ્રણી વ્યાપાર સંગઠન ચેમ્બર ઓફ ટ્રેડ એન્ડ ઇન્ડસ્ટ્રી (CTI )ના ચેરમેન બ્રિજેશ ગોયલનું કહેવું છે કે આ નિર્ણયથી ભારતના વેપાર પર ગંભીર અસર પડશે અને લાખો લોકોની નોકરીઓ જોખમમાં મુકાઈ શકે છે, જ્યારે ઘણા સેક્ટર્સને મોટું નુકસાન થઈ શકે છે. બ્રિજેશ ગોયલે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને પત્ર લખીને કહ્યું છે કે હવે ભારતે પણ અમેરિકાના આ વલણનો જવાબ આપવો જોઈએ.
ભારતે જવાબી ટેરિફ લગાવવો જોઈએ
બ્રિજેશ ગોયલે જણાવ્યું કે ભારતે અમેરિકા પર નિર્ભરતા ઓછી કરીને જર્મની, બ્રિટન, સિંગાપોર, મલેશિયા જેવા દેશોમાં નવા બજારો શોધવા જોઈએ. તેમણે એવું પણ સૂચન કર્યું કે ભારતે અમેરિકાથી આવતા મોંઘા રત્ન, ન્યુક્લિયર રિએક્ટરના ભાગો, હવાઈ જહાજના સાધનો, ઇલેક્ટ્રિકલ સામાન, પ્લાસ્ટિક, નટ્સ, સ્ટીલ જેવા સામાન પર જવાબી ટેરિફ લગાવવા જોઈએ. જો કે હજુ સુધી મંત્રાલય દ્વારા જવાબી ટેરિફને લઈને કોઈ કાર્યવાહી કરાઈ નથી.
મેડ ઇન ઇન્ડિયા પર સરકારનો ભાર
આ ટેરિફ માટે મહત્વપૂર્ણ બાબત છે કે ભારતની બ્રાન્ડને વૈશ્વિક સ્તરે મજબૂત બનાવવી જોઈએ જેથી મેડ ઇન ઇન્ડિયા ભારતીય વસ્તુઓ આકર્ષક બની શકે. ગુજરાતની રેલી દરમિયાન વડાપ્રધાન મોદીએ ભારતના તમામ દુકાનદારો અને ઉદ્યોગપતિઓને ખાસ અપીલ પણ કરી છે.
પીએમ મોદીએ કહ્યું હતું કે સ્વદેશી વસ્તુઓને પ્રોત્સાહન આપવા માટે દુકાનદારોએ તેમની દુકાનોની બહાર એક બોર્ડ લગાવવું જોઈએ, જેના પર લખેલું હોવું જોઈએ કે ભારતમાં બનેલી સ્વદેશી વસ્તુઓ ઉપલબ્ધ છે. જો આપણે ભારતના લોકોને સ્વદેશી વસ્તુઓ ખરીદવા માટે પ્રોત્સાહિત કરવા માંગીએ છીએ, તો ભારતમાં જ સ્વદેશી વસ્તુઓનું ઉત્પાદન વધારવું પડશે. અને સરકારે પણ ખાસ કરીને તેમની ગુણવત્તા પર કામ કરવું પડશે.