Supreme Court Stray Dogs Verdict: રખડતા કૂતરાઓ અંગે સુપ્રીમ કોર્ટે આજે તેના અગાઉના 11 ઓગસ્ટના આદેશમાં સુધારો કર્યો છે. આ સુધારા મુજબ, નસબંધી અને રસીકરણ કરાયેલા રખડતા કૂતરાઓને તે જ વિસ્તારમાં પાછા મુક્ત કરવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે. અગાઉના આદેશમાં, આવા કૂતરાઓને આશ્રય ગૃહોમાં મોકલવાની વાત કહેવામાં આવી હતી, જેનો દેશભરમાં ભારે વિરોધ થયો હતો.
સુપ્રીમ કોર્ટના નવા નિર્દેશો અનુસાર, જે કૂતરાઓ રેબીઝથી સંક્રમિત છે અથવા અતિ આક્રમક વર્તન દર્શાવે છે, તેમને છોડવામાં આવશે નહીં. આ સિવાયના તમામ કૂતરાઓ, જેઓનું નસબંધી અને રસીકરણ કરવામાં આવ્યું છે, તેમને પકડ્યા બાદ તેમના મૂળ વિસ્તારમાં જ પરત છોડી દેવા પડશે. આ નિર્ણય પશુપ્રેમી સંસ્થાઓ અને નાગરિકોની રજૂઆત બાદ લેવામાં આવ્યો છે, જેમાં કોર્ટે માનવ સુરક્ષા અને પ્રાણી અધિકાર બંનેનું સંતુલન જાળવવાની જરૂરિયાત પર ભાર મૂક્યો છે.
આ નિર્ણય દિલ્હી NCRમાં રખડતા કૂતરાઓના કેસમાં ડોગ લવર્સ માટે મોટી જીત સમાન છે. જસ્ટિસ વિક્રમ નાથ, જસ્ટિસ સંદીપ મહેતા અને જસ્ટિસ NV અંજારિયાની ત્રણ ન્યાયાધીશોની બેન્ચે આ નિર્ણય આપ્યો છે. સુપ્રીમ કોર્ટે કેટલીક બાબતોનો કડક અમલ કરવાનો પણ આદેશ આપ્યો છે:
જાહેર સ્થળોએ રખડતા કૂતરાઓને ખવડાવવા પર પ્રતિબંધ છે. આવું કરનાર વ્યક્તિ સામે યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે. તેમજ રખડતા કૂતરાઓ માટે અલગથી ખોરાક આપવાની જગ્યા બનાવવામાં આવશે.
11 ઓગસ્ટના અગાઉના આદેશનો વ્યાપક વિરોધ થયો હતો, જેમાં દિલ્હીના ઇન્ડિયા ગેટ પર એનિમલ લવર્સ દ્વારા કેન્ડલ માર્ચ પણ કાઢવામાં આવી હતી. હવે કોર્ટે પોતાના નિર્ણયમાં સુધારો કરીને ડોગ લવર્સના હિતમાં અનેક મહત્ત્વપૂર્ણ નિર્દેશો આપ્યા છે.