Bihar CM Nitish Kumar New Yojna 2025: બિહારના મુખ્યમંત્રી નીતીશ કુમારે તાજેતરમાં 'મુખ્યમંત્રી મહિલા રોજગાર યોજના'ની જાહેરાત કરી છે. આ યોજના હેઠળ રાજ્યના દરેક પરિવારની એક મહિલાને તેમની પસંદગીનો રોજગાર શરૂ કરવા માટે 10 હજાર રુપિયાનો પ્રથમ હપ્તો આપવામાં આવશે. છ મહિના પછી રોજગારનું મૂલ્યાંકન કરીને 2 લાખ સુધીની વધારાની આર્થિક મદદ પણ આપવામાં આવી શકે છે. મુખ્યમંત્રીએ 29 ઓગસ્ટના રોજ આ મોટી જાહેરાત કરી હતી.
ટુંક સમયમાં શરૂ થશે યોજના માટે અરજી
ઇચ્છુક મહિલાઓ પાસેથી અરજીઓ મેળવવાની પ્રક્રિયા ટૂંક સમયમાં શરૂ કરવામાં આવશે. સપ્ટેમ્બર 2025 થી જ મહિલાઓના બેંક ખાતામાં રકમ જમા કરી દેવામાં આવશે. આ યોજનાની સંપૂર્ણ વ્યવસ્થા અને પ્રક્રિયા ગ્રામીણ વિકાસ વિભાગ દ્વારા નક્કી કરવામાં આવશે, જેમાં નગર વિકાસ અને આવાસ વિભાગનો પણ જરૂરિયાત મુજબ સહયોગ લેવામાં આવશે.
નીતીશ કુમારે લખ્યું કે નવેમ્બર 2005 માં સરકાર બન્યા પછીથી મહિલા સશક્તિકરણ માટે મોટા પાયે કામ કરવામાં આવ્યું છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે મહિલાઓને સશક્ત અને આત્મનિર્ભર બનાવવા માટે ઘણા મહત્વપૂર્ણ પગલાં લેવામાં આવ્યા છે. હવે મહિલાઓ તેમની મહેનતથી બિહારની પ્રગતિમાં યોગદાન આપી રહી છે અને તેમના પરિવારોની આર્થિક સ્થિતિને પણ મજબૂત કરી રહી છે. આ જ મિશનને આગળ વધારતા સરકારે મહિલાઓના હિતમાં આ મહત્વપૂર્ણ અને અભૂતપૂર્વ નિર્ણય લીધો છે.
લોકોને રોજગાર માટે બહાર જવું નહિ પડે
મુખ્યમંત્રીએ વિશ્વાસ વ્યક્ત કર્યો કે આ યોજનાના અમલથી મહિલાઓની સ્થિતિ વધુ મજબૂત થશે, રાજ્યમાં રોજગારીના સારા અવસરો મળશે અને લોકોને રોજગાર માટે રાજ્ય બહાર જવું નહીં પડે. ગામડાઓથી લઈને શહેર સુધી મહિલાઓના ઉત્પાદનોના વેચાણ માટે હાટ બજારો પણ વિકસાવવામાં આવશે.