Healthy Lungs Diet | World Lung Cancer Day : આજના વ્યસ્ત જીવનમાં લોકો પોતાના સ્વાસ્થ્યનું યોગ્ય ધ્યાન રાખી શકતા નથી. આવી સ્થિતિમાં અનેક પ્રકારના રોગો આપણને ઘેરી રહ્યા છે. જે પૈકી ફેફસાંનું કેન્સર પણ એક છે. જ્યારે પણ ફેફસાંના સ્વાસ્થ્ય અથવા રોગો વિશે વાત થાય છે, ત્યારે લોકોનું ધ્યાન સૌથી પહેલા સ્મોકિંગ અને પ્રદૂષણ તરફ જાય છે.
એવું માનવામાં આવે છે કે, માત્ર સિગારેટ પીવાથી તેમજ પૉલ્યુશનના કારણે જ ફેફસાં ખરાબ થાય છે, પરંતુ આ એકદમ સાચુ નથી. આજના સમયમાં આપણી કેટલીક એવી આદતો છે, ખાસ કરીને ખાણી-પીણીની ખરાબ આદતો ફેફસાને ડેમેજ કરવા લાગે છે.
હાલની બીઝી લાઈફમાં લોકો જે પણ ઝડપથી અને સરળતાથી મળે, તે ખાવાનું પસંદ કરવા લાગ્યા છે. જેના પરિણામે ફેફસાં ધીમે-ધીમે નબળા પડવા માંડે છે. ફેફસાના કેન્સર વિશે જાગૃતિ ફેલાવવા માટે દર વર્ષે 1 ઓગસ્ટના રોજ વર્લ્ડ ફેફસાં કેન્સર દિવસ ઉજવવામાં આવે છે. એવામાં અમે આકાશ હેલ્થકેરના બાળરોગ નિષ્ણાંત અને જાણીતા નિયોનેટોલોજી ડૉ. ગૌરવ જૈન સાથે વાત કરી. જેમણે કેટલાક એવા ખોરાક વિશે માહિતી આપી, જે આપણા ફેફસાને ડેમેજ કરી શકે છે.
આ વસ્તુઓ ખાવાનું ટાળો
ડૉક્ટરે જણાવ્યું કે, હાઈ ગ્લાયકેમિક ખોરાક, તળેલી વાનગી, અલ્ટ્રા-પ્રોસેસ્ડ ફૂડ્સ અને વધુ પડતી ખાંડ ખાવાથી ફેફસાના સેલ્સમાં સોજો અને ઓક્સિડેટીવ સ્ટ્રેસ વધારી શકે છે, જે કેન્સરનું જોખમ વધારે છે. ટ્રાન્સ ચરબી, રિફાઈન્ડ કાર્બોહાઈડ્રેટ્સ અને બજારમાં ઉપલબ્ધ પ્રિઝર્વેટિવ્સ ફૂડ જેમ કે નમકીન, કેક, બિસ્કિટ, પેકેજ્ડ નાસ્તા અને સોફ્ટ ડ્રિંક્સનો આહારમાં સમાવેશ કરવાથી શરીરમાં સોજો વધે છે. આ એક એવી સ્થિતિ છે, જે કેન્સરના સેલ્સને વધારવાનું કામ કરે છે.
કેવું ફૂડ્સ ફેફસાને મજબૂત બનાવશે?
જે લોકો પોતાની ડાયટમાં લીલા શાકભાજી, ફાઇબરથી ભરપૂર અને એન્ટીઑકિસડન્ટથી ભરપુર ફળ અને ફૂડ્સને પોતાની ડાયટમાં સામેલ કરે છે, તેમને ફેફસાનું કેન્સર થવાનું જોખમ ખૂબ જ ઓછું થઈ જાય છે. તાજા ફળો, લીલા શાકભાજી અને આખું અનાજ માત્ર સેલ્સને જ સુધારતા નથી પણ ફેફસાંને પ્રદૂષણ અને હાનિકારક તત્વોથી પણ સુરક્ષિત રાખે છે.
ફેફસાંનું સ્વાસ્થ્ય ફક્ત ધૂમ્રપાન સાથે જ સંબંધિત નથી, પણ તમારી થાળી સાથે પણ સંબંધિત છે. તમે દરરોજ જે ખાઓ છો, તે કાં તો તમારા ફેફસાંને મજબૂત બનાવશે અથવા ધીમે ધીમે તેમને નુકસાન પહોંચાડશે.
ફેફસાના કેન્સરથી બચવા માટે કંઈ સાવચેતી રાખવી? (Healthy Lungs Diet)
- પ્રોસેસ્ડ અને પેકેજ્ડ ફૂડ્સ ટાળો
- અઠવાડિયામાં 5 દિવસ લીલા શાકભાજી અને મોસમી ફળો ખાઓ.
- ઘરે બનાવેલો ખોરાક ખાઓ
- રેડ મીટ ખાવાનું લિમિટમાં કરી દો
- વધુ પડતી ખાંડ અને રિફાઇન્ડ કાર્બોહાઇડ્રેટ્સ ટાળો
તમારી ખાવાની આદતો બદલો
ડોક્ટરે કહ્યું કે ફેફસાના કેન્સરથી બચવું શક્ય છે. જો આપણે આપણી ખાવાની આદતો બદલીએ તો આપણે ફેફસાના કેન્સરથી તો બચી શકીશું જ પણ બીજી ઘણી બીમારીઓનું જોખમ પણ ઓછું થઈ જશે.
માત્ર સિગારેટ જ નહીં પણ ખરાબ ખાવાની આદતો પણ આપણા શ્વાસને છીનવી શકે છે. આથી જરૂરી છે કે, આપણે પ્રદૂષણ અને ધૂમ્રપાન પર જેટલું ધ્યાન રાખીએ છીએ તેટલું આપણી થાળી પર પણ ધ્યાન રાખીએ.