Junk Food Side Effects: ઘરે બનાવેલું હેલ્ધી ફૂડ જ સ્વાસ્થ્ય માટે શ્રેષ્ઠ માનવામાં આવે છે. જ્યારે તમે વિટામિન, મિનરલ્સ અને ન્યૂટ્રિશન્સથી ભરપૂર ડાયટ લો છો, ત્યારે તમારી રોગપ્રતિકારક શક્તિ મજબૂત બને છે અને રોગો દૂર રહે છે તેમજ શરીરમાં તાકાત જળવાઈ રહે છે. આથી જો એવું કહેવામાં આવે કે, હેલ્ધી ફૂડ ખાવું સ્વસ્થ રહેવાની ચાવી છે, તો તે ખોટું નથી.
જો કે આજકાલ જંક ફૂડ ખાવાનું ચલણ ખૂબ વધી ગયું છે. ખાસ કરીને બાળકો અને યુવાનો સવારથી સાંજ સુધી જંક ફૂડ જ ખાવા માંગે છે. પરિવારના સભ્યો અને આરોગ્ય નિષ્ણાંતોના ઇન્કાર છતાં, તેઓ આ વ્યસન છોડી શકતા નથી. જંક ફૂડ ખાવામાં ટેસ્ટી લાગે છે, આથી તે વધારે ભાવે તે સ્વાભાવિક છે.
જો તમને કોઈ રોગ નથી, તો ક્યારેક-ક્યારેક જંક ફૂડ ખાવાથી તમને નુકસાન નહીં થાય, પરંતુ જો તમે દરરોજ જંક ફૂડ ખાઓ છો તો શરીરને શું થાય છે? જો તમે તેના નુકસાન જાણશો તો, તમે તેને ફરી ક્યારેય ખાવાનો આગ્રહ નહીં રાખો. જંક ફૂડનું વધુ પડતું સેવન શરીરને કેવી રીતે નુકસાન પહોંચાડી શકે છે, તે વિશે ડાયેટિશિયન અને ન્યુટ્રિશનિસ્ટ નંદિની પાસેથી વિસ્તૃત માહિતી મેળવીએ.

વધારે જંકફૂડ ખાવાથી શરીરને શું નુકસાન થાય?
- એક્સપર્ટ અનુસાર, જંકફૂડમાં ન્યૂટ્રિશન્સનું પ્રમાણ નહીવત હોય છે. તે મીઠું, તેલ, ફેટ, સુગર અને કેલરીથી ભરપુર હોય છે. આથી જો વધારે જંકફૂડ ખાવામાં આવે, તો તમારું વજન વધવા લાગે છે. લાંબાગાળે તમારે ડાયાબિટીસ અને બ્લડ પ્રેશર જેવી સમસ્યાનો સામનો કરવો પડી શકે છે.
- દરરોજ જંક ફૂડ ખાવાથી હાર્ટ સબંધિત સમસ્યા થઈ શકે છે. આટલું જ નહીં તેની પાચન પર પણ ખરાબ અસર પડે છે.
- જો તમે વધુ પડતું જંક ફૂડ ખાઓ છો, તો તે ફેટી લીવરનું કારણ બની શકે છે અને લીવરની કાર્યક્ષમતા પર પણ અસર કરે છે. જંક ફૂડમાં જોવા મળતા ટ્રાન્સ ફેટ શરીરને નુકસાન પહોંચાડે છે.
- જંક ફૂડમાં મીઠાનું પ્રમાણ વધુ હોવાથી તે તમારી કિડની માટે પણ સારું નથી. તેમાં સોડિયમની માત્રા વધુ હોવાથી, તેને લાંબા સમય સુધી ખાવાથી બ્લડ પ્રેશર વધી શકે છે. જેના પરિણામે હાર્ટ એટેક અને સ્ટ્રોકનું જોખમ વધી જાય છે.
- જંક ફૂડમાં રહેલ કાર્બ્સ, સુગર અને ઑઈલના કારણે સ્કિનની હેલ્થ પર પણ વિપરિત અસર થાય છે. જેનાથી હોર્મોન્સ અસંતુલિત થવા લાગે છે અને ચહેરા પર ખીલ પણ થવા માંડે છે.
- તમારી ગટ અર્થાત આંતરડા અને મેન્ટલ હેલ્થ વચ્ચે સીધો સબંધ છે. એવામાં જો વધારે સુગર અને ફેટ વાળુ ફૂડ ખાવ, તો ગટ હેલ્થ ખરાબ થાય છે. જેની સીધી અસર મેન્ટલ હેલ્થ પર પણ થાય છે. જેના પરિણામે એંગ્ઝાયયી અને મૂડ સ્વિંગ્સ જેવી સમસ્યા થઈ શકે છે.