Common Cancer In India: ભારતમાં કેન્સરના કેસ ઝડપથી વધી રહ્યા છે. જેની પાછળનું મુખ્ય કારણ ખરાબ જીવનશૈલી, પ્રદૂષણ અને ખાણી-પીણીની ખોટી આદતો મુખ્ય છે, પરંતુ શું તમે જાણો છો કે 5 પ્રકારના કેન્સર ભારતીયોમાં સૌથી સામાન્ય છે. આ કેન્સર પુરુષો અને સ્ત્રીઓ બંનેને અસર કરે છે. આથી તેના શરૂઆતના લક્ષણો વિશે સમયસર જાણવું મહત્વપૂર્ણ છે.
તો ચાલો BLK મેક્સ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલના સર્જીકલ ઑન્કોલોજી વિભાગના પ્રિન્સિપલ ડિરેક્ટર ડૉ. રાજેશકુમાર જૈન પાસેથી જાણીએ કે, ભારતીયોમાં ક્યા કેન્સરના કેસ સૌથી વધુ જોવા મળે છે અને તેનાથી કેવી રીતે બચી શકાય.
સ્તન કેન્સરના લક્ષણો અને તેનાથી કેવી રીતે બચવું? (Breast Cancer Symptoms And Treatment)
ભારતીય સ્ત્રીઓમાં સ્તન કેન્સર સૌથી સામાન્ય કેન્સર છે. તે પુરુષોમાં પણ થઈ શકે છે, પરંતુ તેના કિસ્સા ખૂબ ઓછા છે. હોર્મોનલ ફેરફારો, લાઈફસ્ટાઈલ અને ફેમિલી પ્લાનિંગમાં વિલંબના કારણે સ્ત્રીઓમાં સ્તન કેન્સરનું જોખમ વધી જતું હોય છે.

સ્તન કેન્સરના શરૂઆતના લક્ષણો જોઈએ તો,
- સ્તનમાં ગાંઠ જેવું લાગવું
- સ્તનમાંથી લોહી અથવા દૂધ સિવાય અન્ય કોઈ પ્રવાહી નીકળે
- સ્તન સંકોચાય અને લાલાશ પડતા થઈ જાય
સ્તન કેન્સરથી કેવી રીતે બચવું?
- 40થી વધુ વયની દરેક સ્ત્રીઓએ વર્ષમાં એકવાર મેમોગ્રાફી અચૂક કરાવવી જોઈએ
- આ સાથે જ મહિનામાં એકવાર જાતે જ સ્તનની તપાસ કરવી જોઈએ. જેમાં ઉપરોક્ત જણાવ્યા પ્રમાણના લક્ષણો જણાય, તો તબીબની સલાહ લેવી જોઈએ.
મોંઢાનું કેન્સર, લક્ષણો અને બચવાના ઉપાય (Oral Cancer Symptoms And Treatment)
તમાકુ, ગુટખા અને સિગારેટ વગેરેના વ્યસનના કારણે મોંઢાનું કેન્સર ભારતમાં ખૂબ જ સામાન્ય છે, ખાસ કરીને પુરુષોમાં.
મોંઢાના કેન્સરના શરૂઆતના લક્ષણો જોઈએ તો,
- મોઢામાં લાંબા સમય સુધી ન રૂઝાતા ચાંદા
- ગાલ અથવા જીભ પર સફેદ કે લાલ ફોલ્લીઓ
- ગળવામાં મુશ્કેલી અથવા અવાજમાં ફેરફાર
મોંઢાના કેન્સરથી બચવા શું કરવું?
- તમાકું અને સિગારેટનું વ્યસન છોડી દેવું જોઈએ
- નિયમિત ડેન્ટલ ચેકઅપ કરાવવું જોઈએ.

ગર્ભાશયનું કેન્સર, લક્ષણો અને બચવાના ઉપાય (Cervical Cancer Symptoms And Treatment)
આ કેન્સર ભારતીય મહિલાઓમાં બીજા ક્રમનું સૌથી સામાન્ય કેન્સર છે, જે HPV વાયરસના ચેપને કારણે થાય છે.
જેની શરૂઆતના લક્ષણો જોઈએ તો,
- અનિયમિત અથવા વધુ પડતું બ્લીડિંગ
- માસિક ચક્ર વચ્ચે બ્લીડિંગ
- સેક્સ દરમિયાન દુખાવો અને બ્લીડિંગ
ગર્ભાશયના કેન્સરથી બચવા શું કરવું?
- 30 વર્ષથી વધુ વયની મહિલાઓએ દર 3-5 વર્ષે પેપ સ્મીયર ટેસ્ટ કરાવવો જોઈએ.
- HPV રસી લેવી જોઈએ.
ફેફસાના કેન્સરના લક્ષણો અને બચવાના ઉપાયો (Lung Cancer Symptoms And Treatment)
ધૂમ્રપાન અને પ્રદૂષણને કારણે ભારતમાં ફેફસાના કેન્સરના દર્દીઓ પણ ઝડપથી વધી રહ્યાં છે. આ રોગ સ્ત્રીઓ કરતાં પુરુષોમાં વધારે જોવા મળે છે.
ફેફસાના કેન્સરના લક્ષણો
- 3 અઠવાડિયા કરતાં વધારે સમય સુધી ઉધરસ રહે
- ખાંસીમાં લોહી પડે
- શ્વાસ લેવામાં તકલીફ થાય
ફેફસાના કેન્સરથી કેવી રીતે બચશો?
- જે લોકો સ્મોકિંગ કરે છે, તેમણે LDCT સ્કેન કરાવવું જોઈએ.
- જો લાંબા સમય સુધી ઉધરસ અને છાતીમાં દુખાવો જેવા લક્ષણો દેખાય, તો તાત્કાલિક ડૉક્ટરનો સંપર્ક કરવો જોઈએ.
કોલોરેક્ટલ કેન્સરના લક્ષણો અને બચવાના ઉપાયો (Colon Cancer Symptoms And Treatment)
આ કેન્સર મોટા આંતરડા અર્થાત રેક્ટમમાં થાય છે. આ પ્રકારનું કેન્સર પુરુષો અને સ્ત્રીઓ બંનેને અસર કરે છે. અનહેલ્થી ડાયટ અર્થાત બિનઆરોગ્યપ્રદ આહાર, બેઠાડું જીવનશૈલી અને કસરતના અભાવને કારણે કોલોરેક્ટલ કેન્સરના કેસ વધી રહ્યા છે.

શરૂઆતના લક્ષણો
- પેટમાં સતત દુખાવો
- મળમાં લોહી
- ઝડપી વજન ઘટાડવું
કેવી રીતે બચી શકાય?
- 50 વર્ષ પછી કોલોનોસ્કોપી કરાવો.
- આંતરડાની આદતોમાં ફેરફાર અથવા મળમાં લોહી જેવા લક્ષણોને અવગણશો નહીં.
- આ સાથે કેન્સરના કેટલાક સામાન્ય લક્ષણો પર ધ્યાન આપો. જેમ કે કોઈ કારણ વગર વજન ઘટવા માંડવું, હંમેશા થાક લાગવો, ત્વચામાં ફેરફાર. જો આ લક્ષણો દેખાય, તો તાત્કાલિક ડૉક્ટરની સલાહ લો અને મેડિકલ ચેકઅપ કરાવો.