Medu Vada Recipe: સાઉથ ઈન્ડિયન ફૂડ ડીશ મેંદુ વડાને ખૂબ જ પસંદ કરવામાં આવે છે. મેંદુ વડાને સવારના નાસ્તામાં ખૂબ જ ખાવામાં આવે છે. સામાન્ય રીતે મેંદુ વડા બનાવવા માટે અડદની દાળનો ઉપયોગ કરવામાં આવે છે, પરંતુ આજે અમે તમને સોજી (રવા)માંથી બનતા મેંદુ વડાની રેસિપી જણાવીશું. સ્વાદથી ભરપૂર રવા મેંદુ વડા ખાવામાં જેટલા સ્વાદિષ્ટ લાગે છે, તેને બનાવવા પણ એટલા જ સરળ છે.
બહારથી ક્રિસ્પી અને અંદરથી એકદમ સોફ્ટ લાગતા મેંદુ વડા નાસ્તા માટે પરફેક્ટ રેસિપી છે. સોજી મેંદુ વડાનો સ્વાદ દરેક ઉંમરના લોકોને પસંદ આવે છે. તમે જો સવારના નાસ્તામાં રુટીન ડીશ વાનગીઓ બનાવીને કંટાળી ગયા છો અને નવી રેસિપી બનાવવા માંગો છો તો રવા મેંદુ વડાને ટ્રાય કરી શકો છો. ચાલો જાણીએ તેને બનાવવાની સરળ રીત.
રવા મેંદુ વડા બનાવવા માટેની સામગ્રી
- 1 કપ રવો એટલે કે સોજી
- 1 કપ પાણી
- 1/2 ચમચી જીરું
- 1/4 ચમચી કાળા મરી
- 1 ચમચી તેલ
- 1 ચમચી લીંબુનો રસ
- કોથમીર
- 1 લીલું મરચું બારીક સમારેલ
- 2-3 તમાલપત્ર
- મીઠું સ્વાદ મુજબ
- તેલ તળવા માટે
રવા મેંદુ વડા બનાવવાની રીત
રવા મેંદુ વડાને તૈયાર કરવા માટે સૌથી પહેલા રવાને પકાવી લો. એક કડાઈમાં પાણી, તેલ અને મીઠું મિક્સ કરો અને પાણીમાં ઉભરો આવવા દો. હવે પાણીમાં રવો નાખી દો અને તેને પકાવો. તેને ત્યાં સુધી પકાવો જ્યાં સુધી પાણી સાવ સુકાઈ ન જાય.
હવે તૈયાર કરેલા રવાને કોઈ એક બાઉલમાં કાઢી લો અને બધા મસાલા મિક્સ કરી લો. ત્યારબાદ તમારે તેમાં તમાલપત્ર, કાળા મરી, જીરું, મરચું, સમારેલી કોથમીર અને લીંબુનો રસ ઉમેરવાનો છે.
હવે બધી વસ્તુઓને મિક્સ કરી લો અને રવામાંથી વડા બનાવી લો. ત્યારબાદ હવે એક કડાઈ લઈને તેમાં તેલ નાખો જ્યારે તેલ ગરમ થઈ જાય ત્યારે તેમાં વડા નાખીને તળી લો.
ગેસની ફ્લેમ તમારે મીડિયમ જ રાખવાની છે અને વડાને ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી ફ્રાઈ કરવાના છે. ક્રિસ્પી મેંદુ વડા બનીને તૈયાર છે, તમે તેને નારિયેળની ચટણી અથવા સાંભારની સાથે ગરમા-ગરમ સર્વ કરો.
ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો ગુજરાતી જાગરણની ન્યૂઝ એપ.