Agriculture: પ્રકૃતિના રક્ષણાર્થે પ્રાકૃતિક કૃષિ જ એક માત્ર ઉપાય, ખેતીમાં આ પદ્ધતિ જરુર અપનાવો

ચાલો તો પ્રાકૃતિક કૃષિમાં ધરતીપુત્રોએ પાક સંરક્ષણ માટે રાખવાની થતી કાળજીઓ અંગે માહિતગાર થઈએ.

By: Mukesh JoshiEdited By: Mukesh Joshi Publish Date: Sat 16 Aug 2025 10:04 AM (IST)Updated: Sat 16 Aug 2025 10:04 AM (IST)
agriculture-natural-agriculture-is-the-only-solution-to-protect-nature-586288

Natural Farming: પ્રકૃતિના રક્ષણાર્થે પ્રાકૃતિક કૃષિ જ એક માત્ર ઉપાય છે. દેશના ધરતીપુત્રો પ્રાકૃતિક કૃષિ અપનાવે તે માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આહ્વાન કર્યું છે. વડાપ્રધાનના આહવાન પગલે રાજ્યમાં પ્રાકૃતિક કૃષિ વ્યાપ વધારવા માટે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે મુહિમ ચલાવી છે. જેને પગલે રાજ્ય સરકાર પણ પ્રાકૃતિક કૃષિ વ્યાપ વધારવામાં માટે સતત પ્રયત્નશીલ છે.

શરૂઆતમાં ખેડૂતો રાસાયણિક ખેતી ત્યજી પ્રાકૃતિક ખેતીમાં આવે ત્યારે શરૂઆતમાં જમીનનો સેન્દ્રીય કાર્બન ઓછો થઈ ગયો હોવાથી તેમજ જમીન લગભગ સત્વ વગરની થઈ ચૂકી હોવાથી પાક ઉપર વધારે જીવાત આવશે, જેના નિયંત્રણ માટે નિમાસ્ત્ર, સૂંઠાસ્ત્ર, બ્રહ્માસ્ત્ર, અગ્નિઅસ્ત્ર, વગેરે પ્રાકૃતિક જંતુરોધકોનો ઉપયોગ કરવો જરૂરી બને છે. તો ચાલો આ જંતુરોધકો બનાવવાની રીત વિશે જાણીએ.

1) દશપર્ણી અર્ક

દશપર્ણી અર્ક બનાવવાની પદ્ધતિ

એક મોટી ૨૫૦ લીટર ક્ષમતાની ટાંકી અથવા લોખંડના બેરલમાં ૨૦૦ લીટર પાણી લો. તેમાં દેશી ગાયનું ૨૦ લીટર ગૌમૂત્ર નાખો. (ભેંસનું અને જર્સી એચ.એફ.નું અથવા સંકર ગાયનું ગૌમૂત્ર ચાલશે નહિ.) એક લોઢાના અથવા જર્મનના તપેલામાં ૫ લીટર પાણી લઈને તેમાં ૨ કિલો દેશી ગાયનું તાજુ છાણ ઉમેરો. તેને હલાવો અને આ પ્રવાહી હવે ૨૦૦ લીટર પાણીની ટાંકીમાં નાખી દો. પછી તેમાં ૫૦૦ ગ્રામ હળદરનો પાવડર નાખો. પછી તેમાં ૫૦૦ ગ્રામ આદુની ચટણી ઉમેરો. પછી તેમાં ૧૦ થી ૨૦ ગ્રામ હિંગનો પાવડર નાખો.

હવે આ દ્રાવણને લાકડીથી સારી રીતે હલાવી ઉપરથી કોથળા વડે ઢાંકી દો. અને છાયામાં દિવસ રાત રાખો. તેની ઉપર સૂર્યપ્રકાશ કે વરસાદનું પાણી પડે નહિ તેની કાળજી રાખો. બીજા દિવસે સવારે કોથળો હટાવી તે દ્રાવણમાં તમાકુનો પાવડર ૧ કિલો નાખો. ૧ થી ૨ કિલો તીખા લીલા મરચાની ચટણી નાખો. તેમાં ૫૦૦ ગ્રામ દેશી લસણની ચટણી નાખો. પછી આ દ્રાવણ લાકડીથી ડાબેથી જમણી બાજુ ઘડિયાળના કાંટાની દિશામાં હલાવો. કોથળાથી ઢાંકી અને છાયામાં ૨૪ કલાક રાખો.

આ ૨૪ કલાક પછી મળીને ત્રણ દિવસ પછી સવારમાં તે દ્રાવણમાં ૨ કિલો લીમડાની નાની નાની ડાળીઓ પાન સાથે ટુકડા કરી નાખો, ૨ કિલો કરંજના પાન, ૨ કિલો સીતાફળના પાન, ૨ કિલો ધતુરાના પાન, ૨ કિલો એરંડાના પાન, ૨ કિલો નગોડના પાન, ૨ કિલો જૂઈના પાન, ૨ કિલો કરેણના પાન, ૨ કિલો તુલસીના પાન ડાળીઓ સાથે, ૨ કિલો ગલગોટાના પાન ડાળીઓ અને ફૂલ સાથે, ૨ કિલો ગંધારીના પાન, ૨ કિલો પપૈયાના પાન, ૨ કિલો આંબાના પાન, ૨ કિલો હળદરના પાન, ૨ કિલો આદુના પાન, ૦૨ કિલો દાડમની સુકેલી છાલનો ભુક્કો, ૨ કિલો જાસૂદના પાન, ૨ કિલો દેશી બોરડીના પાન, ૨ કિલો દેશી બાવળના પાન, ૨ કિલો સરગવાના પાન, ૨ કિલો કડવા કારેલાના પાન સહિત આમાંથી કોઈપણ ૧૦ પ્રકારના ૨ - ૨ કિલો પાન તે દ્રાવણમાં નાખો.

આ પાનને તે દ્રાવણમાં વજનથી દબાવો જેથી તે પાણીમાં પૂરા પલળી જાય. શરૂઆતની ૦૫ વનસ્પતિના પાન મહત્વપૂર્ણ છે. દ્રાવણ કોથળાથી ઢાંકો અને છાયામાં ૩૦ થી ૪૦ દિવસ રાખો. તેની ઉપર સૂર્યપ્રકાશ કે વરસાદનું પાણી પડે નહિ તેની કાળજી રાખો. દરરોજ સવાર-સાંજ નાક ઉપર રૂમાલ બાંધીને લાકડીથી એક મિનિટ માટે હલાવો. ૩૦ થી ૪૦ દિવસ પછી કપડાથી ગાળીને સુરક્ષિત જગ્યાએ તેનો સંગ્રહ કરો.

આ દસપર્ણી અર્ક તૈયાર થયા પછી છ મહિના સુધી તમે તેનો ઉપયોગ કરી શકો છો. આ દસપરણી અર્કથી બધા જ પ્રકારના કીટક અને ફુગનું નિયંત્રણ થાય છે. ૧૫ લીટર પાણી + ૫૦૦ થી ૬૦૦ મી.લી. દસપર્ણી અર્ક અથવા ૧૦૦ લીટર પાણી + ૩ થી ૪ લીટર દસપર્ણી અર્ક મેળવીને પાક ઉપર છંટકાવ કરો.

2) નિમાસ્ત્ર

નિમાસ્ત્ર બનાવવાની પદ્ધતિ

નિમાસ્ત્ર ચુસીયા પ્રકારના જીવાત તેમજ નાની ઈયળોના નિયંત્રણ માટે ખૂબ જ ઉપયોગી નીવડે છે.  ૫ કિલો લીમડાના લીલા પાન લો અથવા લીમડાની ૫ કિલો લીંબોળી લો અને પાન અથવા લીંબોળીને ખાંડીને રાખી મૂકો. ૧૦૦ લીટર પાણી લો અને તેમાં ૫ કિલોગ્રામ લીમડા પાનની ખાંડીને તૈયાર કરેલી ચટણીને પાણીમા ઉમેરો. હવે તેમાં ૫ લીટર ગૌમૂત્ર નાખો અને ૧ કિલો દેશી ગાયનું છાણ નાખી ભેળવી દો. લાકડી વડે તેને હલાવો અને ૪૮ કલાક સુધી મૂકી દો. યાદ રાખો દિવસમાં ત્રણ વખત લાકડી વડે હલાવવું અને ૪૮ કલાક પછી તે દ્રાવણને કપડાથી ગાળી લેવું. પછી તેને પાક ઉપર છંટકાવ કરી શકો છો. પરંતુ યાદ રાખો આ દ્રાવણમાં પાણી ઉમેર્યા વગર જ તેનો છંટકાવ કરવાનો છે.

2) બ્રહ્માસ્ત્ર

મોટા કીડી અને મંકોડાના નિયંત્રણ માટે ઉપયોગી છે. બ્રહ્માસ્ત્ર બનાવવા માટે ૧૦ લીટર દેશી ગાયનું ગૌમૂત્ર, ૫ કિલોગ્રામ લીમડાના પાનની ચટણી, ૨ કિલોગ્રામ સફેદ ધતુરાના પાનની ચટણી, ૨ કિલોગ્રામ સીતાફળના પાનની ચટણી, ૨ કિલોગ્રામ કરંજના પાનની ચટણી, ૨ કિલોગ્રામ જામફળના પાનની ચટણી, ૨ કિલોગ્રામ એરંડાના પાનની ચટણી અને ૨ કિલોગ્રામ પપૈયાના પાનની ચટણી જરૂરિયાત રહે છે.

બ્રહ્માસ્ત્ર બનાવવાની પદ્ધતિ

બ્રહ્માસ્ત્ર બનાવવા માટે ઉપરમાંથી કોઈ પાંચ વનસ્પતિ લો. તેની ચટણીને ગૌમૂત્રમાં ભેળવીને ઢાંકીને ધીમા તાપે ૩ થી ૪ ઉફાણા આવે ત્યાં સુધી રાખો. ત્યારબાદ તેને ૪૮ કલાક સુધી મૂકી રાખો. પછી કપડાં વડે ગાળી તેને યોગ્ય પાત્રમાં સંગ્રહ કરો. બ્રહ્માસ્ત્ર ૧૦૦ લીટર પાણીમાં ૨ થી ૨.૫ લીટર ભેળવી પાક ઉપર છંટકાવ કરવો. તેમજ તેને ૬ મહિના સુધી રાખી શકો છો.

4) અગ્નિઅસ્ત્ર

વૃક્ષના થડ અથવા ડાળીમાં રહેતા કીડા, સિંગોમાં રહેતી અને ફળોમાં રહેતી ઇયળો તેમજ કપાસમાં જ જીંડવામાં રહેતી ઈયળો અને અન્ય પ્રકારની નાની મોટી ઈયળોના નિયંત્રણ માટે અગ્નિઅસ્ત્ર ઉપયોગી છે.

અગ્નિઅસ્ત્ર બનાવવાની પદ્ધતિ

૨૦ લીટર ગૌમૂત્ર લો તેમા ૫૦૦ ગ્રામ તીખા લીલા મરચાની ચટણી ઉમેરો. ત્યારબાદ ૫૦૦ ગ્રામ લસણ વાટીને નાખો, લીમડાના ૫ કિલો પાનની ચટણી લો અને ૧ કિલોગ્રામ તમાકુ પાવડર ઉમેર્યા પછી આ પૂરા મિશ્રણને લાકડી વડે હલાવી અને એક વાસણમાં ધીમા તાપે ઉકાળો, ૪ થી ૫ વખત ઉફાણા આવ્યા પછી ૪૮ કલાક સુધી તેને રાખી દો. ત્યારબાદ તેને કાપડ વડે ગાળી વાસણમાં સંગ્રહ કરો. ૧૦૦ લીટર પાણીમાં ૨ થી ૨.૫ લીટર નાખી ખેતી પાકો પર છંટકાવ કરી શકાય. આ અગ્નિઅસ્ત્ર ૩ મહિના સુધી ઉપયોગ કરી શકાય છે.