US School Shooting Latest Updates: અમેરિકામાં મિનેસોટાના મિનેપોલિસમાં આવેલી એક કેથોલિક સ્કૂલમાં બુધવારે સવારે ગોળીબારની ભયાનક ઘટના બની હતી. આ અંધાધૂંધ ફાયરિંગમાં 2 નિર્દોષ બાળકોના મોત થયા છે, જ્યારે 17 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. મૃત્યુ પામેલા બાળકોની ઉંમર 8 અને 10 વર્ષ હોવાનું જાણવા મળ્યું છે.
ગોળીબારમાં બે બાળકોના મોત
આ કેથોલિક સ્કૂલ એક પ્રાઈવેટ એલિમેન્ટરી સ્કૂલ છે, જેમાં લગભગ 395 વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. સ્થાનિક મીડિયા અનુસાર ગોળીબાર તે સમયે થયો હતો, જ્યારે બાળકો સવારની પ્રાર્થના સભામાં હાજર હતા. પોલીસના જણાવ્યા અનુસાર મૃત્યુ પામેલા લોકોમાં હુમલાખોર પણ સામેલ છે. હુમલાખોરે પણ પોતાને ગોળી મારી દીધી હતી. પોલીસના જણાવ્યા અનુસાર ઘટનાસ્થળે એક વ્યક્તિ કાળા કપડામાં રાઇફલ સાથે જોવા મળ્યો હતો.
મિનિયાપોલિસના પોલીસ પ્રમુખ બ્રાયન ઓ'હારાએ જણાવ્યું હતું કે બંદૂકધારી પાસે એક રાઇફલ, શૉટગન અને પિસ્તોલ હતી. બંદૂકધારી ચર્ચ તરફ આવ્યો અને પ્રાર્થના સભા દરમિયાન બેન્ચ પર બેઠેલા બાળકો પર બારીઓમાંથી ડઝનબંધ ગોળીઓ ચલાવી હતી. પોલીસ પ્રમુખે આ ઘટનાને નિર્દોષ બાળકો અને પ્રાર્થના કરી રહેલા અન્ય લોકો વિરુદ્ધ ઇરાદાપૂર્વકની હિંસા ગણાવી હતી.
ડોનાલ્ડ ટ્રમ્પે દુઃખ વ્યક્ત કર્યું
ઘટના બાદ વાલીઓ આઘાતમાં આવી ગયા હતા અને ઘટનાસ્થળે પહોંચીને બાળકોને ઘરે લઈ જતા જોવા મળ્યા હતા. અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે આ ઘટના પર દુઃખ વ્યક્ત કર્યું છે. ઘટનાસ્થળે એફબીઆઈના અધિકારીઓ પણ પહોંચી ગયા છે. હોમલેન્ડ સુરક્ષા સચિવ ક્રિસ્ટી નોએમે જણાવ્યું હતું કે સુરક્ષા વિભાગ સ્થાનિક અધિકારીઓના સંપર્કમાં છે અને પરિસ્થિતિ પર નજર રાખી રહ્યું છે.