Trump Tariffs Update: અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ડિજિટલ સર્વિસ ટેક્સને લઈને ધમકી આપી છે કે જો કોઈ દેશ અમેરિકાની કંપનીઓ પર ડિજિટલ ટેક્સ લગાવશે તો તેના જવાબમાં તેમના પર વધુ ટેરિફ લગાવવામાં આવશે. ટ્રમ્પે તેમના ટ્રુથ સોશિયલ એકાઉન્ટ પર આ અંગે પોસ્ટ કરી હતી. જાણો શું છે ડિજિટલ સર્વિસ ટેક્સ

ડિજિટલ સર્વિસ ટેક્સ શું છે?
ડિજિટલ સર્વિસ ટેક્સ એ આંતરરાષ્ટ્રીય ટેક કંપનીઓ પર લગાવવામાં આવે છે જે બીજા દેશમાં સક્રિય હોય અને ત્યાંના વપરાશકર્તાઓ પાસેથી પૈસા કમાતી હોય, પરંતુ તે દેશમાં તેમની કોઈ શાખા, ઓફિસ, ફેક્ટરી કે કંપની ન હોય તો આવી સ્થિતિમાં સંબંધિત દેશ તે કંપની પર ડિજિટલ ટેક્સ લગાવી શકે છે.
ગૂગલની પેરેન્ટ કંપની આલ્ફાબેટ, મેટા (ફેસબુક) અને એમેઝોન જેવી કંપનીઓ વીડિયો, ઇન્ટરનેટ સર્ફિંગ, કન્ટેન્ટ અને સોશિયલ નેટવર્કિંગ સેવાઓ દ્વારા અબજો રૂપિયા કમાઈ રહી છે. નેટફ્લિક્સ અને સ્પોટીફાઈ જેવી સ્ટ્રીમિંગ સર્વિસ કંપનીઓ પણ કોઈ શાખા કે ઓફિસ ખોલ્યા વિના સબસ્ક્રિપ્શન દ્વારા અબજો રૂપિયા મેળવી રહી છે.
ભારત ધારે તો લગાવી શકે છે ડિજિટલ ટેક્સ
જો ભારત 50 ટકા ટેરિફના બદલામાં અમેરિકા પર જવાબી કાર્યવાહી કરવા માંગે તો ભારત ડિજિટલ સર્વિસ ટેક્સ લગાવી શકે છે. 2016માં ભારતે 6 ટકા ડિજિટલ ટેક્સ લાદ્યો હતો, જેને 2025-26 ના બજેટમાં સમાપ્ત કરવામાં આવ્યો હતો. આ ટેક્સ એટલા માટે હટાવવામાં આવ્યો હતો જેથી અમેરિકા સાથેના વેપાર કરારમાં ફાયદો મળે, પરંતુ ટ્રમ્પે ભારત પ્રત્યે નરમ વલણ અપનાવ્યું ન હતું.
આ દેશોએ લગાવ્યો હતો ડિજિટલ ટેક્સ
ટ્રમ્પનો ટેરિફ લાગુ થયા પછી કેનેડાએ અમેરિકાની ટેક કંપનીઓ પર ડિજિટલ ટેક્સ લગાવ્યો હતો, પરંતુ બાદમાં તેને પાછો ખેંચી લીધો હતો. યુરોપિયન યુનિયનના દેશોએ પણ અમેરિકાની કંપનીઓ પર ડિજિટલ સર્વિસ ટેક્સ લગાવ્યો હતો, જેને પાછળથી પરત ખેંચી લેવામાં આવ્યો હતો.