PM Modi China And Japan Visit: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતા અઠવાડિયે જાપાન અને ચીનની મુલાકાત લેશે. PM મોદી આ અગાઉ 29-30 ઓગસ્ટ 2025ના રોજ જાપાન અને ત્યારબાદ 31 ઓગસ્ટથી 1 સપ્ટેમ્બર 2025 દરમિયાન ચીનની મુલાકાત લેશે.
ચીનમાં PM મોદી શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઇઝેશન (SCO)ના સમિટમાં હાજરી આપશે અને ત્યાં અનેક દ્વિપક્ષીય બેઠકોમાં પણ ભાગ લેશે. વિદેશ મંત્રાલયે કહ્યું છે કે PM મોદી PM શિગેરુ ઇશિબાના આમંત્રણ પર જાપાનની મુલાકાત લેશે, જે તેમની જાપાનની આઠમી મુલાકાત હશે.
ભારત-જાપાન વાર્ષિક બેઠક PM મોદી અને પPM ઇશિબાના નેતૃત્વમાં યોજાશે જેમાં દ્વિપક્ષીય સંબંધોની વર્તમાન સ્થિતિની સમીક્ષા કરવામાં આવશે અને ભવિષ્યની રણનીતિ જાહેર કરવામાં આવશે. PM ઇશિબા સાથે પીએમ મોદીની આ પહેલી વાર્ષિક બેઠક હશે.
જાપાન સાથે શું ચર્ચા થશે?
જાપાન અને ભારત વચ્ચેની વાર્ષિક બેઠકમાં સંરક્ષણ અને સુરક્ષા, વ્યવસાય અને અર્થતંત્ર, ટેકનોલોજી અને સંશોધન સહયોગ પર ચર્ચા થશે તેમજ પ્રાદેશિક અને વૈશ્વિક પરિસ્થિતિઓ પર પણ ચર્ચા થશે. નિષ્ણાતોએ જણાવ્યું છે કે આ બેઠકમાં જાપાન ભારતમાં નવા રોકાણોની જાહેરાત કરશે.
ત્રણ વર્ષ પહેલાં આવી વાર્ષિક બેઠકમાં જાપાને પાંચ વર્ષમાં ભારતમાં જે રોકાણ કરવાનું વચન આપ્યું હતું તે પૂર્ણ થઈ ગયું છે. જાપાન પછી PM મોદી રાષ્ટ્રપતિ શી જિનપિંગના આમંત્રણ પર ચીન જશે.
PM મોદી વર્ષો પછી ચીન જશેઑ
સાત વર્ષ પછી PM મોદીની આ ચીનની મુલાકાત હશે. બે દિવસ પહેલાં ચીનના વિદેશ મંત્રી વાંગ યી સાથેની મુલાકાત દરમિયાન PM મોદીએ કહ્યું હતું કે તેઓ તેમની ચીન મુલાકાત માટે આતુર છે.
દુનિયાની નજર PM મોદી અને જિનપિંગની મુલાકાત પર ટકેલી છે
ચીનના રાજદૂત શુ ફેઈહોંગે એક દિવસ પહેલાં કહ્યું હતું કે ચીન અને ભારતના અધિકારીઓ મોદીની મુલાકાતને સફળ બનાવવા માટે ખૂબ જ મહેનત કરી રહ્યા છે. આખી દુનિયા મોદી અને જિનપિંગ વચ્ચેની મુલાકાત પર નજર રાખશે.