H-1B Visa: PM નરેન્દ્ર મોદીના અમેરિકા પ્રવાસ દરમિયાન બાઈડન પ્રશાસને ભારતીયો માટે શુભ સમાચાર આપ્યા છે. તેઓએ નિર્ણય કર્યો છે કે H-1B વિઝા પર છૂટછાટ અપાશે. તેનાથી ભારતીયોને અમેરિકામાં જઈને ત્યાં રહીને કામ કરવું વધુ સરળ બની જશે. રોઈટર્સના એક રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ભારત સહિત દુનિયાના કુશળ શ્રમિકોને અમેરિકામાં પ્રવેશ આપવા અને ત્યાં રોકાવવામાં મદદ કરવાના ઉદ્દેશ્યથી પીએમ નરેન્દ્ર મોદીની આ સપ્તાહની રાજકીય યાત્રા દરમિયાન વિઝાના નિયમોમાં છૂટછાટ મળી શકે છે.
અમેરિકી વિદેશ વિભાગ ગુરુવારે ટૂંક સમયમાં આ જાહેરાત કરી શકે છે. એચ-1બી વિઝા પર કેટલાક ભારતીય અને અન્ય વિદેશી કારીગરો અમેરિકા જવાં વિઝા મેળવી શકશે, જેમણે કોઈ વિદેશ યાત્રા કરી નથી. આ એક પાયલટ પ્રોજેક્ટનો ભાગ છે.
ભારતીય નાગરિકો એચ-1બી વિઝાના સૌથી મોટા ઉપયોગકર્તા છે. ફાઈનાન્શિયલ વર્ષ 2022માં લગભગ 4,42,000 એચ-1બી વિઝા ધારક શ્રમિકોમાંથી 73% ભારતીય નાગરિકો હતા.
જો કે, યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટના પ્રવક્તાએ કયા પ્રકારના વિઝા પાત્ર હશે અથવા પાયલોટ પ્રોજેક્ટના લોન્ચના સમય વિશેના પ્રશ્નો પર ટિપ્પણી કરવાનો ઇનકાર કર્યો હતો. પાયલોટ પ્રોજેક્ટ માટેની યોજનાઓની જાણ બ્લૂમબર્ગ લો દ્વારા ફેબ્રુઆરીમાં કરવામાં આવી હતી. સ્ટેટ ડિપાર્ટમેન્ટના પ્રવક્તાએ નાના પ્રોજેક્ટને વ્યાખ્યાયિત કરવાનો ઇનકાર કરતા કહ્યું કે, "આગામી એકથી બે વર્ષમાં આ પહેલને સ્કેલ કરવાના ઉદ્દેશ્ય સાથે પાયલોટ પ્રોજેક્ટ નાની સંખ્યામાં કેસ સાથે શરૂ થશે."