Indian Navy: દક્ષિણ ચીન સાગરને લઈને ચીનનો એસોસિએશન ઓફ સાઉથઇસ્ટ એશિયન નેશન્સ (ASEAN) દેશો સાથે વિવાદ ચાલી રહ્યો છે. આ દરમિયાન એક મોટું પગલું ભરતાં ભારતે પહેલીવાર પોતાની સબમરીન ઈન્ડોનેશિયા મોકલી છે. જણાવી દઈએ કે, ASEAN દેશોમાં રાજદ્વારી અને સૈન્ય પહોંચ વધારવાની ભારતની નીતિના ભાગરૂપે ભારતીય સબમરીન INS સિંધુકેસરી ઇન્ડોનેશિયાના જકાર્તા પહોંચી છે. 3000 ટન વજન ધરાવતી INS સિંધુકેસરી બુધવારે સુંડા ખાડી થઈને જકાર્તા પહોંચી હતી.
ઇન્ડોનેશિયન નેવીએ ટ્વિટ કર્યું, 'ભારત અને ઇન્ડોનેશિયા વચ્ચેના સંબંધોને મજબૂત કરવા માટે ઇન્ડોનેશિયન નેવી ભારતીય સબમરીન INS સિંધુકેસરીને જકાર્તામાં આવકારે છે.' મીડિયા રિપોર્ટ્સ અનુસાર આ પહેલીવાર છે જ્યારે સબમરીનને આટલા અંતરે તૈનાત કરવામાં આવી છે. આનાથી પાણીની અંદર યુદ્ધ લડવા માટે ભારતીય નૌકાદળની ક્ષમતાઓનો ખ્યાલ આવે છે.
ઈન્ડોનેશિયામાં ભારતીય સબમરીનની તૈનાતી મહત્વપૂર્ણ છે કારણ કે, ચીન દક્ષિણ ચીન સમુદ્રના મોટા ભાગ પર પોતાનો દાવો કરે છે. આ અંગે ચીન અન્ય ASEAN દેશો ઈન્ડોનેશિયા, ફિલિપાઈન્સ, વિયેતનામ, મલેશિયા, તાઈવાન અને બ્રુનેઈ સાથે પણ વિવાદમાં છે. વાસ્તવમાં, આ દેશો દક્ષિણ ચીન સાગરના ભાગો પણ પોતાનો દાવો કરે છે. આ જ કારણ છે કે, દક્ષિણ ચીન સાગર પર તણાવ છે અને ચીને એકતરફી રીતે અહીં અનેક કૃત્રિમ ટાપુઓ બનાવ્યા છે અને આ ટાપુઓ પર પોતાની નૌકાદળ તૈનાત કરી છે.
ઈન્ડોનેશિયાના દરિયાકાંઠે ભારતીય સબમરીનની તૈનાતી એવા સમયે થઈ રહી છે જ્યારે ફિલિપાઈન્સની 21 મરીન્સે ગયા અઠવાડિયે બ્રહ્મોસ એન્ટી-શિપ સુપરસોનિક ક્રુઝ મિસાઈલની તાલીમ પૂર્ણ કરી છે. 23 જાન્યુઆરીથી 11 ફેબ્રુઆરી સુધી ચાલેલી આ તાલીમમાં ફિલિપાઈન્સના મરીનને બ્રહ્મોસના સંચાલન અને જાળવણી વિશે માહિતગાર કરવામાં આવ્યા હતા. ભારતે ફિલિપાઈન્સને બ્રહ્મોસ મિસાઈલ વેચી છે.
ભૂતકાળમાં ભારતે સિંગાપોર નેવી સાથે અગ્નિ વોરિયર નામથી કવાયત પણ કરી હતી. આ સાથે જ ભારતના દળોએ મલેશિયા અને ઈન્ડોનેશિયા સાથે પણ યુદ્ધાભ્યાસ કર્યો છે. તે સ્પષ્ટ છે કે, ભારત ASEAN દેશોને મદદ કરી રહ્યું છે અને આ ચીનનો સામનો કરવાની તેની નીતિનો એક ભાગ છે. ભારત અને ઇન્ડોનેશિયાની નૌકાદળ પણ આંતરરાષ્ટ્રીય દરિયાઈ સીમા પર સંયુક્ત રીતે પેટ્રોલિંગ કરે છે. ગયા વર્ષે જ ભારતે ઈન્ડોનેશિયા સાથે બે વખત પેટ્રોલિંગ કર્યું હતું.