Donald Trump: ભારત અને અમેરિકા વચ્ચેના વેપાર સંબંધો તણાવપૂર્ણ છે, જ્યાં અમેરિકાએ ભારત પર વધારાનો ટેરિફ લાદ્યો છે. અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે જાહેરાત કરી છે કે, જ્યાં સુધી ટેરિફ વિવાદ ઉકેલાય નહીં ત્યાં સુધી ભારત સાથે કોઈ વેપાર વાટાઘાટો નહીં થાય. વડાપ્રધાન મોદીએ એ પણ સ્પષ્ટ કર્યું છે કે, ભારત ખેડૂતોના હિત સાથે સમાધાન કરશે નહીં, ભલે તેને ભારે કિંમત ચૂકવવી પડે.
જાણો ટ્રમ્પે શું કહ્યું
ઓવલ ઓફિસમાં પ્રેસ કોન્ફરન્સ દરમિયાન જ્યારે પૂછવામાં આવ્યું કે શું તેઓ નવા 50 ટરા ટેરિફને ધ્યાનમાં રાખીને વાટાઘાટો ફરી શરૂ થવાની અપેક્ષા રાખે છે, ત્યારે ટ્રમ્પે જવાબ આપ્યો કે ના, જ્યાં સુધી અમે તેનો ઉકેલ ન લાવીએ ત્યાં સુધી નહીં.
અમેરિકન અધિકારીઓના જણાવ્યા પ્રમાણે, પ્રારંભિક 25 ટકા ટેરિફ 7 ઓગસ્ટથી અમલમાં આવ્યો હતો. આ વધારાની ડ્યુટી 21 દિવસમાં અમલમાં આવશે અને તે યુએસ બંદરોમાં પ્રવેશતા તમામ ભારતીય માલ પર લાગુ થશે, સિવાય કે પહેલાથી જ પરિવહનમાં રહેલી વસ્તુઓ અને અમુક મુક્તિવાળી શ્રેણીઓ.
વડાપ્રધાન મોદીએ અમેરિકાને યોગ્ય જવાબ આપ્યો
નોંધનીય છે કે ગુરુવારે વડાપ્રધાન મોદીએ નવી દિલ્હીમાં એમએસ સ્વામીનાથન શતાબ્દી આંતરરાષ્ટ્રીય પરિષદમાં તેમના ભાષણ દરમિયાન આ મુદ્દા પર કડક વલણ અપનાવ્યું હતું અને સંકેત આપ્યો હતો કે ભારત આર્થિક દબાણનો સામનો કરીને પાછળ હટશે નહીં.
પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, અમારા માટે, અમારા ખેડૂતોનું હિત સર્વોચ્ચ પ્રાથમિકતા છે. ભારત ખેડૂતો, માછીમારો અને ડેરી ખેડૂતોના હિત સાથે ક્યારેય સમાધાન કરશે નહીં. હું જાણું છું કે આપણે આ માટે ભારે કિંમત ચૂકવવી પડશે, અને હું તેના માટે તૈયાર છું. ભારત તેના માટે તૈયાર છે.