Donald Trump News: અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ફરી એકવાર મોટો દાવો કર્યો છે કે તેમણે ભારત અને પાકિસ્તાન વચ્ચે સંભવિત પરમાણુ યુદ્ધને અટકાવવામાં એક નિર્ણાયક ભૂમિકા ભજવી હતી. આ દાવો તેમણે વ્હાઇટ હાઉસમાં યોજાયેલી કેબિનેટ મીટિંગ દરમિયાન કર્યો હતો. જોકે ભારતે આ મામલે પોતાની સ્થિતિ સ્પષ્ટ કરી છે. ભારતે જણાવ્યું છે કે ભારત અને પાકિસ્તાન વચ્ચેના કોઈપણ વિવાદમાં કોઈ પણ ત્રીજા પક્ષની કોઈ ભૂમિકા નહોતી.
મોદીને કહ્યા શાનદાર અને અદ્ભુત વ્યક્તિ
ટ્રમ્પના જણાવ્યા અનુસાર તેમણે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે સીધી વાતચીત કરી હતી. તેમણે વડાપ્રધાન મોદીને "ખૂબ જ શાનદાર અને અદ્ભુત વ્યક્તિ" તરીકે સંબોધ્યા હતા. ટ્રમ્પે કહ્યું કે તેમણે મોદીને પૂછ્યું હતું કે ભારત અને પાકિસ્તાન વચ્ચે શું ચાલી રહ્યું છે, કારણ કે બંને દેશો વચ્ચે ભારે નફરત હતી. આ વાતચીત પછી ટ્રમ્પે પાકિસ્તાન સાથે પણ સંપર્ક સાધ્યો હતો અને તેમને સ્પષ્ટ ચેતવણી આપી હતી કે જો તેઓ તણાવ વધારશે અને યુદ્ધ તરફ આગળ વધશે તો અમેરિકા સાથેના તેમના તમામ વેપાર કરારો રદ્દ કરી દેશે.
પાકિસ્તાનને આપી હતી ધમકી
અમેરિકી રાષ્ટ્રપતિએ વધુમાં દાવો કર્યો કે તેમણે પાકિસ્તાનને ઊંચા ટેરિફ લાદવાની પણ ધમકી આપી હતી. ટ્રમ્પના કહેવા મુજબ તેમની કડક અને સીધી કૂટનીતિ અને વેપારી દબાણના કારણે માત્ર પાંચ કલાકની અંદર જ ભારત અને પાકિસ્તાન વચ્ચેનો તણાવ ઓછો થઈ ગયો અને પરિસ્થિતિ સામાન્ય બની. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે આ તણાવ ઘણા લાંબા સમયથી ચાલી રહ્યો હતો, જેને તેમણે રોકવામાં સફળતા મેળવી.