US Ambassador Sergio Gor: અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પોતાના નજીકના વ્યક્તિ સર્જિયો ગોરને ભારત માટે અમેરિકાના નવા રાજદૂત તરીકે નિયુક્ત કર્યા છે. 39 વર્ષીય સર્જિયો ગોર વર્તમાન રાજદૂત એરિક ગાર્સેટીનું સ્થાન લેશે અને હાલમાં તેઓ વ્હાઇટ હાઉસના ડાયરેક્ટર ઓફ પ્રેસિડેન્શિયલ પર્સનલ તરીકે કાર્યરત છે.
સર્જિયો ગોરને ડોનાલ્ડ ટ્રમ્પના સૌથી ભરોસાપાત્ર લોકોમાંથી એક માનવામાં આવે છે. આ કારણે તેમને ભારત જેવા મહત્વપૂર્ણ દેશમાં રાજદૂતની જવાબદારી સોંપાઈ છે. તેમને સાઉથ એન્ડ સેન્ટ્રલ એશિયન અફેર્સ માટે સ્પેશિયલ એન્વોયની પણ જવાબદારી મળી શકે છે, જેનાથી તેઓ ભારત, પાકિસ્તાન અને બાંગ્લાદેશ સહિત એશિયામાં વ્યૂહાત્મક રીતે કામ કરી શકશે.
રશિયન જાસૂસ હોવાના ગંભીર આરોપ
જોકે સર્જિયો ગોરનું નામ વિવાદોથી પણ ઘેરાયેલું રહ્યું છે. તેમના પર રશિયન જાસૂસ હોવાના ગંભીર આરોપો લાગ્યા છે, જેના પગલે ટેસ્લાના સીઈઓ એલોન મસ્કે તેમને સાપ કહ્યા હતા. જન્મસ્થળ વિશે ખોટી માહિતી આપવાનો આરોપ પણ તેમના પર છે.
કોણ છે સર્જિયો ગોર
ઉઝબેકિસ્તાનના તાશકંદમાં જન્મેલા સર્જિયો ગોર 1999માં પરિવાર સાથે અમેરિકા આવ્યા હતા. તેમણે લોસ એન્જલસમાં શાળાકીય શિક્ષણ અને વોશિંગ્ટન યુનિવર્સિટીમાંથી ગ્રેજ્યુએશન કર્યું. ગ્રેજ્યુએશન દરમિયાન જ રાજકારણમાં રસ લેતા, તેમણે રિપબ્લિકન પાર્ટીમાં જોડાઈને ઘણા અમેરિકી સાંસદો સાથે કામ કર્યું અને રિપબ્લિકન પ્રવક્તા તરીકે જાણીતા બન્યા. 2020ની રાષ્ટ્રપતિ ચૂંટણીના પ્રચારમાં તેઓ ટ્રમ્પ સાથે જોડાયા અને પ્રચારનો મુખ્ય ચહેરો બન્યા.