Nitin Patel on New BJP State President: ગુજરાતના પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ આજે પોતાના પરિવાર સાથે પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના દર્શનાર્થે પધાર્યા હતા. તેમણે મહાદેવની પૂજા-અર્ચના કરી ગુજરાત અને સમસ્ત જનતાની સુખાકારી માટે પ્રાર્થના કરી હતી. આ તકે તેમણે ભાજપના પ્રદેશ પ્રમુખની નિમણૂક અંગે નિવેદન આપતા જણાવ્યું હતું કે, ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખની નિમણૂક માટે રાષ્ટ્રીય સ્તરે કાર્યવાહી ચાલી રહી છે અને રાષ્ટ્રીય કક્ષાએથી નવા પ્રદેશ પ્રમુખની નિમણૂકની કાર્યવાહી શરૂ કરાશે. આ નિવેદનથી ગુજરાત ભાજપના નવા અધ્યક્ષની નિમણૂક ટૂંક સમયમાં થશે તેવા સંકેત મળ્યા છે.
પ્રદેશ પ્રમુખની નિમણૂક શું કહ્યું
પ્રદેશ પ્રમુખની નિમણૂક અંગેના પ્રશ્ન પર તેમણે જણાવ્યું હતું કે, પ્રદેશ પ્રમુખની પ્રક્રિયા પક્ષ દ્વારા ચાલી રહી છે રાષ્ટ્રીય કક્ષાએ પણ પ્રમુખ બદલવાની પ્રક્રિયા ચાલી રહી છે કારણ કે બંનેની મુદતો અમારા બંધારણ પ્રમાણે પૂર્ણ થઈ ચૂકી છે અને ઘણા રાજ્યોમાં પ્રદેશ પ્રમુખો નવા નિમાઈ ચૂક્યા છે એટલે ગુજરાતમાં પણ બધાની અનુકૂળતા પ્રમાણે રાષ્ટ્રીય કક્ષાથી પ્રદેશ પ્રમુખ નિમવાની કાર્યવાહી શરૂ કરવામાં આવશે
બધાને શાંતિથી ભગવાનના દર્શન થાય છે
પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું હતું કે, આજે સમગ્ર દેશ અને દુનિયામાં વસતા દરેક હિન્દુઓ ભગવાન શિવજીના ઉપાસકો શ્રાવણ મહિનાને ખૂબ ભક્તિ ભાવપૂર્વક ભગવાનની સેવા પૂજા કરે છે. અને એમાં પણ જ્યારે સોમવાર હોય અને શ્રવણ મહિનાનો પહેલો સોમવાર હોય ત્યારે પ્રથમ જ્યોતિર્લિંગ એવા આપણા સોમનાથની અંદર લાખો ભક્તો આખા દેશમાંથી ને પરદેશથી ભગવાનના દર્શન કરવા માટે આવે છે.
આ પણ વાંચો
નીતિન પટેલે દર્શાવ્યું હતું કે રવિવારથી જ મોટી સંખ્યામાં ભક્તો સોમનાથમાં એકત્ર થવા લાગે છે. તેઓ રાત્રી આરતીના દર્શન કરે છે અને સોમવારે સવારે આરતીના દર્શનથી દિવસની શરૂઆત કરે છે. લાખો ભક્તો પ્રેમ, આનંદ અને શ્રદ્ધાથી દર્શન કરે છે અને શ્રાવણ મહિનાનો લાભ લે છે. તેમણે ઉમેર્યું હતું કે, સોમનાથનું મંદિર અનેક સુવિધાઓથી સફર આખું કેમ્પસ બની ચૂક્યું છે. અહીંયા સારામાં સારી તમામ પ્રકારની ભક્તો માટે સગવળો છે. લાખો લોકો દર્શન કરે પણ કોઈપણ જાતની ધક્કામુકી કે ભીડભાડ થતી નથી. બધાને શાંતિથી ભગવાનના દર્શન થાય છે.
કોરિડોરનું નિર્માણ અંગે શું કહ્યું
વડાપ્રધાન નરેન્દ્ર મોદી સોમનાથ ટ્રસ્ટના ટ્રસ્ટી છે અને તેમના માર્ગદર્શન હેઠળ ટ્રસ્ટનો વિકાસ થઈ રહ્યો છે. આ અંગે નીતિન પટેલે કહ્યું હતું કે, આપણે બધા નસીબદાર છીએ કે ભગવાનના આશીર્વાદથી આ ટ્રસ્ટમાં ટ્રસ્ટી તરીકે વડાપ્રધાન નરેન્દ્ર મોદી છે. તેઓ જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે પણ ટ્રસ્ટના ટ્રસ્ટી હતા. અમિત શાહ પણ ટ્રસ્ટી છે. નરેન્દ્ર મોદી અને અમિત શાહ જરૂરિયાતો પૂર્ણ કરાવે છે. છેલ્લા પાંચ વર્ષમાં કેમ્પસનો સાર્વત્રિક વિકાસ થયો છે. દરિયા કિનારે હરવા ફરવાની સુવિધા, વૉકવે, ધર્મશાળાઓ અને અન્નક્ષેત્ર જેવી વ્યવસ્થા છે. વંદે ભારત ટ્રેન શરૂ થવાથી યાત્રાળુઓને સગવડ મળી છે અને હાઇવે પણ બનવાથી વાહન દ્વારા આવવું સરળ થયું છે. વડાપ્રધાને તબક્કાવાર બધાં જ મંદિરોમાં કોરિડોરનું નિર્માણ કરાવ્યું છે, જ્યાં લાખો હિન્દુઓ દર્શન કરવા જાય છે. કાશી વિશ્વનાથ મહાદેવનું ઉદાહરણ આપતા તેમણે જણાવ્યું કે ત્યાં પણ સુંદર કોરિડોર બનાવવામાં આવ્યો છે.