Somnath Temple: શ્રાવણ માસના અંતિમ સોમવારે, દેશભરમાંથી શિવભક્તો સોમનાથ મહાદેવના દર્શને ઉમટી પડ્યા હતા. આ પાવન દિવસે દૂર-દૂરથી તેમજ પગપાળા યાત્રાળુઓએ આરાધ્ય દેવ સોમનાથ મહાદેવના દર્શન કરી ધન્યતા અનુભવી હતી.


શ્રાવણના અંતિમ સોમવારે પ્રખર કથાકાર રમેશભાઈ ઓઝા (ભાઈશ્રી)એ સોમનાથ મહાદેવના સાંનિધ્યમાં ધર્મ અને ભક્તિનો માહોલ જીવંત કર્યો. તેમણે પરંપરાગત પાલખી યાત્રાનું પૂજન કરીને તેને પ્રસ્થાન કરાવ્યું હતું.
આ અવસરે, ભાઈશ્રીએ સોમનાથ મહાદેવનો વિશિષ્ટ અભિષેક કર્યો અને બિલ્વાર્ચના પણ કરી. શ્રાવણના અંતિમ સોમવારે મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા હતા. આ ભક્તોના સુવ્યવસ્થિત દર્શન માટે તેમણે શુભકામનાઓ પાઠવી. ભાઈશ્રીએ સોમનાથ ટ્રસ્ટના અધ્યક્ષ શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ હેઠળ યાત્રિકો માટે થઈ રહેલી સુવિધાઓની પ્રશંસા કરી. તેમણે મંદિર પ્રશાસનની આ સરાહનીય કામગીરી બદલ આભાર વ્યક્ત કર્યો હતો.

આજે વહેલી સવારે પ્રાર્થના અને આરતીના સમયે વાતાવરણ ભક્તિમય બન્યું હતું. આ અલૌકિક પ્રસંગે, સ્વયં વરુણ દેવે સોમનાથ મહાદેવનો જલાભિષેક કર્યો, જેના દર્શન કરીને ભક્તજનો ભાવવિભોર થયા.


ભગવાન સોમનાથને વિવિધ પ્રકારના ફૂલો, ચંદન અને ભસ્મથી સુંદર શૃંગાર અર્પણ કરવામાં આવ્યો હતો. આ વિશિષ્ટ શૃંગારના દર્શન માટે સવારથી જ ભક્તોની લાંબી કતારો જોવા મળી હતી. શ્રાવણ માસના આ અંતિમ સોમવારે સોમનાથનું વાતાવરણ ભક્તિ અને શ્રદ્ધાથી છલકાઈ રહ્યું હતું.