Valsad: વલસાડ જિલ્લાના વાપી તાલુકાના છીરી ગામે ધૂળેટીના દિવસે ખૂની ખેલ ખેલાયો હતો. જેમાં પોતાની બહેનને ત્રાસ આપતા બનેવીની સાળાએ છરીના ઘા ઝીંકીને ઘાતકી હત્યા કરી નાંખી છે.
આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, છીરી ગામના રણછોડનગરમાં તનિક વિરેન્દ્ર નામનો યુવક પોતાના પરિવારજનો અને મિત્રો સાથે ધૂળેટીની ઉજવણી કરી રહ્યો હતો. આ સમયે તનિક વિરેન્દ્રનો સાળો પિન્કુસિંહ પણ અગાસી પર પાર્ટી કરી રહ્યો હતો. આ દરમિયાન ઉશ્કેરાયેલા પિન્કુએ છરીના ઉપરાછાપરી ઘા ઝીંકી દેતા બનેવી તનિક વિરેન્દ્ર લોહીના ખાબોચિયામાં ફસડાઈ ગયો હતો.
આ દરમિયાન બૂમાબૂમ થતાં મૃતકની પત્ની સહિત અન્ય લોકો અગાસી પર દોડી આવતા હત્યારો પિન્કુ ફરાર થઈ ગયો હતો. આ બાબતની જાણ થતાં ડુંગરા પોલીસ મથકની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી અને પંચનામું કરી તનિક વિરેન્દ્રના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે મોકલીને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. આ કેસમાં પોલીસે અલગ-અલગ ટીમો બનાવીને આરોપી સાળાને ઝડપી પાડીને જેલના હવાલે કર્યો છે.
પોલીસની પ્રાથમિક પૂછપરછમાં મૃતક તનિક વિરેન્દ્રએ હત્યારા પિન્કુની બહેન પ્રિતિ સાથે લગ્ન કર્યાં બાદ અન્ય મહિલા સાથે પણ લગ્ન કર્યા હતા. બીજી મહિલા સાથે લગ્ન કર્યાં બાદ મૃતક પ્રિતિને સારી રીતે રાખતો નહતો અને તેના પર અસહ્ય જુલમ ગુજારતો હતો. આ બાબતનો ખાર રાખીને પિન્કુએ પોતાના બનેવીને મોતને ઘાટ ઉતાર્યા હોવાનું ખુલ્યું છે.