Vadodara: ભાઈ-બહેનના પવિત્ર પ્રેમ અને રક્ષાનો પર્વ એટલે રક્ષાબંધનનો પર્વ બહેન પોતાની રક્ષા માટે તેમજ ભાઈની રક્ષા માટે ભાઈની કલાઈ પર સૂતરનો ધાગો બાંધતી હોય છે. એવામાં રક્ષાબંધનના પર્વ પર બહેન ભાઈના ઘરે સમયસર પહોંચી રક્ષા કવચ બાંધે તે માટે વડોદરા કોર્પોરેશન દ્વારા વડોદરા શહેરમાં ચાલતી સિટી બસોમાં રક્ષાબંધનના દિવસે બહેનો માટે વિનામૂલ્યે મુસાફરી કરવાની જાહેરાત કરવામાં આવી છે.
રક્ષાબંધનનો પવિત્ર તહેવાર સામાન્ય રીતે બહેનો ભાઇના ઘરે જઇને રક્ષાબંઘનના પવિત્ર દિવસે ભાઇઓના દિઘાર્યુ અને સારુ સ્વાસ્થય જળવાઇ રહે તે માટે રાખડી બાંઘી પ્રાર્થના કરે છે. એવામાં સુરત મહાનગર પાલિકા પછી વડોદરા કોર્પોરેશન પણ રક્ષાબંધનના આ પવિત્ર તહેવારને મહત્વ આપી તા. 30 ઓગસ્ટના રોજ રક્ષાબંધનના પર્વ નિમિતે એક દિવસ માટે સમગ્ર વડોદરા શહેરની અંદર બહેનો બસમાં વિનામૂલ્યે મુસાફરી કરી શકે તેવો નિર્ણય લઇ વડોદરાની બહેનોને રક્ષાબંધનની ભેટ આપી છે.
આ અંગે વડોદરા શહેરના મેયર નિલેશ રાઠોડે જણાવ્યું કે, વડોદરા કોર્પોરેશન દ્વારા નાગરિકોની સુવિધા માટે વિનાયક કંપની દ્વારા સંચાલિત બસ સર્વિસ ચલાવવામાં આવે છે. રક્ષાબંધનનો આ પવિત્ર તહેવાર બહેનો સારી રીતે ઉજવણી શકે તે માટે તા. 30 ઓગસ્ટના રોજ રક્ષાબંધનના દિવસે એક દિવસ માટે સમગ્ર વડોદરા શહેરની અંદર બહેનો બસમાં વિનામૂલ્યે મુસાફરી કરી શકે તે માટે નિર્ણય લેવામાં આવ્યો છે.