Vadodara: ગત 9 જુલાઈના રોજ 45 વર્ષ જૂનો ગંભીરા બ્રિજ તૂટી પડ્યા બાદથી આણંદ જિલ્લાના બોરસદ અને આંકલાવ તાલુકા સહિતના હજારો નોકરિયાતો, વિદ્યાર્થીઓ અને ખેડૂતોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. વડોદરા જિલ્લામાં રોજગાર અને અભ્યાસ અર્થે જતા લોકોને અગાઉ 7થી 10 કિમી અંતર કાપવું પડતું હતું, પરંતુ હવે વૈકલ્પિક માર્ગના અભાવે 40 કિમીનું ચક્કર કાપવું પડે છે. જેના કારણે મુસાફરીનો સમય વધ્યો છે અને પેટ્રોલનો ખર્ચ રૂ.800ને બદલે 3થી 4 હજાર સુધી પહોંચી ગયો છે.
સ્થાનિક આગેવાનો દ્વારા અનેકવાર આણંદ તેમજ વડોદરા જિલ્લાના કલેક્ટરને વૈકલ્પિક માર્ગની માગ સાથે રજૂઆત કરાઈ છે. આમ છતાં કોઈ કાર્યવાહી ન થતા તાજેતરમાં બામણગામ ખાતે 30 જેટલાં ગામના સરપંચો અને આગેવાનો ભેગા થઈને વિરોધ પ્રદર્શન કર્યું હતું. તેઓએ 'ન્યાય આપો, વૈકલ્પિક માર્ગ આપો' ના સૂત્રોચ્ચાર કરી તાત્કાલિક પીપા પુલ જેવી અસ્થાયી વ્યવસ્થા કરવાની માગણી કરી હતી.
આ પણ વાંચો
આગેવાનોનો દાવો છે કે, બ્રિજ તૂટી જવાથી હજારો યુવાનો રોજગારી ગુમાવી રહ્યા છે. ખેડૂતોને એ.પી.એમ.સી. પાદરા સુધી પહોંચવામાં મુશ્કેલી પડી રહી છે તેમજ વિદ્યાર્થીઓને અભ્યાસ માટે લાંબો ફેરો કરવો પડે છે.
વર્ષ 2022થી જ બ્રિજ જર્જરિત હાલતમાં હોવા છતાં આરએન્ડબી વિભાગે કોઈ કાર્યવાહી ન કરતાં આ દુર્ઘટનામાં 22 લોકોના જીવ ગયા હતા. તેથી જવાબદાર અધિકારીઓ સામે માનવવધનો ગુનો દાખલ કરવાની માગ પણ ઉઠી રહી છે. રાજ્ય સરકારે નવો બ્રિજ 18 મહિનામાં બનાવવા જાહેરાત કરી છે, પરંતુ એક મહિનો વીતી જવા છતાં ટેન્ડરની પ્રક્રિયા પણ શરૂ ન થતા લોકોમાં ભારે નારાજગી વ્યાપી છે. આગેવાનો દ્ધારા ચેતવણી આપવામાં આવી છે કે જો તાત્કાલિક વૈકલ્પિક માર્ગ ઉપલબ્ધ નહિ થાય તો 1001 યુવાનો ભૂખ હડતાળ પર ઉતરશે.