Vadodara: વડોદરા જિલ્લાના વાઘોડિયામાં તાલુકા કક્ષાનો 79મો સ્વાતંત્ર પર્વ ડૉ. એન.જી. શાહ સાર્વજનિક હાઈસ્કૂલ ખાતે ઉજવાયો હતો. આ કાર્યક્રમ દરમિયાન ધોરણ 11ની SPC વિદ્યાર્થિની વૈષ્ણવી ગોહિલ લાંબા સમય સુધી ઉભી રહેતાં બેભાન થઈ ઢળી પડી હતી. મોઢામાં ઇજા થતાં તેને છ ટાંકા આવ્યા છે. આ ઘટના સમયે સ્થળ પર મેડિકલ ટીમ કે એમ્બ્યુલન્સ ન હોવાથી તેને બાઈક પર ખાનગી હોસ્પિટલ ખસેડવી પડી હતી. આ બનાવે કાર્યક્રમની આયોજન ક્ષમતા અને સુરક્ષા વ્યવસ્થા અંગે અનેક પ્રશ્નો ઉભા કર્યા છે.
વિદ્યાર્થીઓને સવારે 6 વાગ્યાથી કાર્યક્રમમાં બોલાવવામાં આવ્યા હતા અને સાડા ત્રણ કલાક સુધી ઊભા રાખવામાં આવ્યા હતા. ચા-નાસ્તાની કોઈ વ્યવસ્થા ન હોવાથી કેટલાક વિદ્યાર્થીઓની તબિયત બગડવાની સ્થિતિ સર્જાઈ હતી. વૈષ્ણવી ગોહિલ બેભાન થતા કાર્યક્રમ સ્થળે દોડધામ મચી ગઇ હતી.
આ પણ વાંચો
મામલતદાર હિતેન્દ્રસિંહ ગોહિલે જણાવ્યું કે, તમામ વિભાગોને આમંત્રણ આપવામાં આવ્યું હતું, પરંતુ આરોગ્ય વિભાગ ગેરહાજર છે. આ અંગે નોટિસ આપી ખુલાસો માંગવામાં આવશે. તેમણે સ્વીકાર્યું કે નાના બાળકોને સવારે 6 વાગ્યે બોલાવ્યા હતા અને ચા-નાસ્તાની અછત હતી. ઘટનાને ગંભીર ગણાવી કાર્યવાહી કરવાની ખાતરી આપી હતી.

બીજી તરફ આરોગ્ય વિભાગના તાલુકા હેલ્થ ઓફિસર યુ.બી. સિંહે જણાવ્યું કે, વહિવટી તંત્રે આરોગ્ય વિભાગને આમંત્રણ આપ્યું ન હોવાથી મેડિકલ ટીમ હાજર રહી ન હતી. મોટા પ્રમાણમાં વિદ્યાર્થીઓ અને મહેમાનો હાજર રહેવા છતાં આરોગ્ય વ્યવસ્થા ન કરવી પ્રોટોકોલનો ભંગ છે.