Vadodara: વડોદરામાં હાલમાં ચાલી રહેલા દશામાના દસ દિવસીય પર્વના અંતિમ દિવસે શહેરના વાઘોડિયા રોડ પર આવેલ મનન પાર્ક સ્થિત દશામાં ના મઢ ખાતે વર્ષોથી ચાલતો 'ચમત્કાર' અસલી નહીં પરંતુ કરામત હોવાનું બહાર આવ્યું છે. છેલ્લા 35 વર્ષથી અહીં સાંઢણીની આંખોમાંથી ઘી નીકળે છે એવી લોકવાયકા પ્રચલિત હતી. આ કથિત ચમત્કારને કારણે માત્ર વડોદરા જ નહીં પરંતુ રાજ્ય અને મુંબઈ સહિત અન્ય રાજ્યોમાંથી પણ શ્રદ્ધાળુઓ મોટી સંખ્યામાં દર્શન માટે આવતા હતા.
લોકોની વધતી આસ્થાને કારણે નાની ડેરીથી વિકસીને મોટું મઢ બની ગયું હતું. દાનપેટી દ્વારા મોટા પાયે રૂપિયા ભેગા થતા હતા. વિજ્ઞાન જાથાના ચેરમેનના જાણવ્યા મુજબ, મઢની આરતી દરમ્યાન દીવડાની ગરમીથી સાંઢણીની આંખોમાં ભરેલું ઘી ટપકતું હતું, જેને લોકો ચમત્કાર માની લેતા હતા.
આ પણ વાંચો
આજે વિજ્ઞાન જાથાના ચેરમેન જયંત પંડ્યા તથા તેમની ટીમને ચમત્કાર અંગે માહિતી મળતા તેઓ પોલીસ સાથે સ્થળ પર પહોંચ્યા હતા. જ્યાં તપાસ દરમ્યાન ભૂવી સીતાબેન અસ્તવ્યસ્ત વાળ સાથે બેભાન થવા, ધૂણવા અને વારંવાર પાણી પીવાનું નાટક કરતી જોવા મળી. જો કે તેમની કોશિશ નિષ્ફળ ગઈ. પોલીસે સીતાબેન અને તેના પુત્રને પૂછપરછ માટે પોલીસ મથકે લઈ જતાં આખી હકીકત બહાર આવી.

સીતાબેન અને તેના પુત્રએ સ્વીકાર્યું કે, તેઓ સાંઢણીની આંખોમાં પહેલા થી જ ઘી ભરી દેતા અને આરતી સમયે દીવડાની ગરમીથી આ ઘી સાંઢણીની આંખમાંથી ટપકતું હતું. આ રીતે તેઓ લોકોની ધાર્મિક લાગણીઓનો ગેરફાયદો ઉઠાવી દાનપેટીમાંથી મોટો લાભ મેળવતા હતા. આટલું જ નહીં, સીતાબેન હાલોલની GIDC વિસ્તારમાં પણ આવું જ નવું મઢ ઉભું કરીને કમાણી કરે છે.
આ કબૂલાત સાથે ભૂવી સીતાબેન તથા તેના પુત્રએ લેખિત માફી માંગી છે. જો કે આ ખુલાસા બાદ શ્રદ્ધાળુઓમાં ભારે નિરાશા ફેલાઈ છે. ઘણા શ્રદ્ધાળુઓ, જેમાં મુંબઈથી આવેલા તબીબ દંપતી પણ સામેલ હતા, ઠગાઈ સામે આક્રોશ વ્યક્ત કર્યો હતો.

વિજ્ઞાન જાથાની કાર્યવાહી અને પોલીસની સતર્કતાએ વર્ષોથી ચાલી રહેલા આ ભ્રમનો અંત લાવ્યો છે. આ ઘટનાએ ફરી એકવાર સાબિત કર્યું કે ચમત્કારના નામે લોકોની આસ્થા સાથે રમતા ઠગો સામે સાવચેત રહેવું જરૂરી છે.